SafeTech Awards 2026:મુંબઈની સુપ્રસિદ્ધ તાજ હોટેલ ખાતે કિંગ્સ એક્સ્પો મીડિયા લિમિટેડ દ્વારા સેફટેક એવોર્ડ્સ-2026 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મણિનગર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ વિશ્વ સત્સંગ સમ્રાટ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના આશિર્વાદ સહ સંતવૃદ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો.
કિંગ્સ એક્સ્પો મીડિયા લિમિટેડના ડાયરેક્ટર એન કે ગુપ્તા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પધારેલ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મહંત સદ્દગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામી, મુંબઈ મંદિરના મહંત સંત શિરોમણી દિવ્યદર્શનદાસજી સ્વામી તથા મુંબઈ ફાયર એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસક્યુ ટીમ દ્વારા છેલ્લાં 28 વર્ષોથી ઘણાં બધાં કુદરતી આપત્તિ વખતે નિ: સ્વાર્થભાવે સમાજસેવાના કાર્યો કરી રહ્યા છે.
કિંગ્સ એક્સ્પો મીડિયા લિમિટેડ ટીમ દ્વારા આયોજિત આ એવોર્ડ સમારોહમાં દેશના ખૂણે-ખૂણેથી ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સંતોએ આશિર્વાદમાં સમાજ અને દેશની સુરક્ષા માટે નિષ્ઠાપૂર્વક સેવા આપતા તમામ એવોર્ડ વિજેતા ફાયર ફાયટર્સ તથા આયોજક ટીમને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
