Ahmedabad News: પશ્ચિમ રેલવેના સાબરમતી કોચિંગ ડેપોમાં હવે વંદે ભારત જેવી સુપરફાસ્ટ ટ્રેનોને અંદર લઈ જવા માટે વધારાના ડીઝલ શન્ટિંગ એન્જિનની રાહ નહીં જોવી પડે. રેલવે તંત્ર દ્વારા ડેપો પરિસરમાં 620 મીટર લાંબી અત્યાધુનિક 'રિટ્રેક્ટેબલ OHE' સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે, જેનાથી વીજળીથી ચાલતી ટ્રેનો જાતે જ સીધી મેન્ટેનન્સ લાઇન સુધી પહોંચી શકશે. આ નવી પહેલથી ટ્રેનો તૈયાર કરવામાં સમયની મોટી બચત થશે અને ડેપો પરિસર ડીઝલના ધુમાડા તેમજ અવાજના પ્રદૂષણથી સંપૂર્ણ મુક્ત બનશે.
પશ્ચિમ રેલવેના ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપો સાબરમતી (SBT) ખાતે પ્રથમ વખત રિટ્રેક્ટેબલ ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. આ અત્યાધુનિક સિસ્ટમ રિટ્રેક્ટેબલ રિજિડ ઓવરહેડ કંડક્ટર સિસ્ટમ (RRCS) તરીકે ઓળખાય છે. ડેપો પરિસરમાં કુલ 620 મીટરની લંબાઈમાં આ આધુનિક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સિસ્ટમ મોટરચાલિત, પિટ-માઉન્ટેડ ઓવરહેડ કંડક્ટર વ્યવસ્થા છે, જેને ખાસ કરીને ઇલેક્ટ્રિફાઇડ રેલ કોચિંગ ડેપો, લોકો શેડ અને લોડિંગ સાઇડિંગ્સમાં ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવી છે.
રિટ્રેક્ટેબલ OHE ઇલેક્ટ્રિક લોકોમોટિવને ટ્રેક્શન પાવર પ્રદાન કરે છે, તેમજ જરૂરિયાત મુજબ કંડક્ટર રેલને યાંત્રિક રૂપે હટાવવાની (રિટ્રેક્ટ)ની સુવિધા પણ આપે છે, જેથી જાળવણીના કામ દરમિયાન પૂરતું ઓવરહેડ ક્લિયરન્સ સુનિશ્ચિત કરી શકાય.
રિટ્રેક્ટેબલ OHE (RRCS) સિસ્ટમની પ્રમુખ વિશેષતાઓ
(1) મેન્ટેનન્સ સ્ટાફ માટે વધુ સુરક્ષા
- OHEને બંધ (ડી-એનર્જાઇઝ) કરીને અને અલગ કર્યા બાદ કોચની છત પર સુરક્ષિત કામ કરી શકાય છે.
- યોગ્ય અર્થિંગની વ્યવસ્થાથી વીજળીના જોખમમાં ઘટાડો થાય છે.
- આકસ્મિક રીતે કરંટ લાગવાની સંભાવના ઘટે છે.
(2) ડીઝલ શન્ટિંગની જરૂરિયાત સમાપ્ત
- હવે કોચને સીધા ઇલેક્ટ્રિક પાવરથી ચલાવી શકાય છે.
- ડેપોમાં ડીઝલ એન્જિનની જરૂરિયાત રહેશે નહીં.
- આથી ધુમાડો, પ્રદૂષણ અને અવાજમાં ઘટાડો થશે.
(3) સમયની બચત (ઓછો ટર્નઅરાઉન્ડ સમય)
- કોચને સીધા મેન્ટેનન્સ લાઇન પર લઈ જઈ શકાય છે.
- આથી કોચની તૈયારી ઝડપથી થશે અને સંચાલન ઝડપી બનશે.
(4) વધુ સારું સંચાલન અને લચીકતા
- જરૂરિયાત મુજબ ઓવરહેડ લાઇનને હટાવી શકાય છે.
- એકસાથે મેન્ટેનન્સ અને સ્ટેબલિંગનું કાર્ય શક્ય છે.
આ આધુનિક વ્યવસ્થા સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ અને સંચાલન ક્ષમતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. પશ્ચિમ રેલવેનો આ પ્રયાસ રેલ સેવાઓને વધુ સુરક્ષિત, ઝડપી તથા પર્યાવરણને અનુકૂળ બનાવવામાં સહાયક સાબિત થશે.
