Ahmedabad News: હત્યા સહિતના ગુનાઓમાં સંડોવાયેલા મોન્ટુ નામદારના ઘરે હથિયારો સંતાડેલા હોવાની માહિતી સ્પેશ્યલ ઑપરેશન્સ ગ્રૂપ (SOG)ને મળી હતી. આ માહિતીના આધારે SOGની ટીમે મોન્ટુના ઘરે દરોડો પાડ્યો હતો, જ્યાં તપાસ દરમિયાન બે વિદેશી એરગન, કારતૂસ અને 1.80 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે મોન્ટુ નામદારના ભાઇની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલી હજીરાની પોળમાં રહેતા મોન્ટુ નામદારે ગત 9 જૂન 2022ના રોજ ભાજપના કાર્યકર રાકેશ મહેતાની જાહેરમાં હત્યા કરી હતી. આ કેસમાં તેની ધરપકડ થઈ હતી. મોન્ટુ ડાયાબિટીસની બીમારીનું બહાનું કાઢીને ગામડી ખાતેના ફાર્મહાઉસ પર દવા લેવાના બહાને પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો.
ગત 20 જુલાઈએ ક્રાઈમ બ્રાન્ચે તેને આંબાવાડી ખાતેથી ઝડપી પાડ્યો હતો. આ વચ્ચે પોલીસને બાતમી મળી હતી કે મોન્ટુએ તેના ઘરે હથિયારો છુપાવ્યા છે. જેના આધારે ગુરુવારે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે મોન્ટુના ભાઈની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
