નિષ્ણાતોના મતે, દર 10 કેસમાંથી 4 કેસ 50 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓમાં જોવા મળી રહ્યા છે. યુવાનોમાં આ બીમારીનું પ્રમાણ વધવા પાછળ અનેક સામાજિક અને શારીરિક કારણો જવાબદાર છે.
By: Mukesh JoshiEdited By: Mukesh JoshiPublish Date: Sat 03 Jan 2026 10:39 AM (IST)Updated: Sat 03 Jan 2026 10:39 AM (IST)
Gujarat News: ગુજરાતમાં જીવનશૈલીમાં આવતા પરિવર્તનો હવે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. વર્ષ 2025ના આંકડાઓ મુજબ, રાજ્યમાં સ્ટ્રોક અને પેરાલિસિસના કેસમાં ગત વર્ષની સરખામણીએ 8 ટકાનો વધારો નોંધાયો છે. 108 ઈમરજન્સી સેવા દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, વર્ષ 2025માં કુલ 13,880 દર્દીઓને સ્ટ્રોકની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
રોજના 38 ઇમરજન્સી કેસ અને અમદાવાદ મોખરે
આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો, ગુજરાતમાં રોજના સરેરાશ 38 ઇમરજન્સી કેસ સ્ટ્રોકને લગતા સામે આવી રહ્યા છે. વર્ષ 2024માં આ સંખ્યા 12,784 હતી, જે 2025માં વધીને 13,880 પર પહોંચી છે. રાજ્યના મુખ્ય શહેરોમાં અમદાવાદ સૌથી વધુ પ્રભાવિત છે, જ્યાં એક વર્ષમાં 3,611 કેસ નોંધાયા છે.
તબીબો માટે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે હવે સ્ટ્રોક માત્ર વૃદ્ધોની બીમારી રહી નથી. નિષ્ણાતોના મતે, દર 10 કેસમાંથી 4 કેસ 50 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓમાં જોવા મળી રહ્યા છે. યુવાનોમાં આ બીમારીનું પ્રમાણ વધવા પાછળ અનેક સામાજિક અને શારીરિક કારણો જવાબદાર છે.
શા માટે વધી રહ્યા છે કેસ?
તબીબોના જણાવ્યા અનુસાર, નીચે મુજબના કારણો સ્ટ્રોક અને પેરાલિસિસ માટે મુખ્યત્વે જવાબદાર છે:
હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટિસ: અનિયંત્રિત બીપી અને સુગર લોહીની નળીઓને નુકસાન પહોંચાડે છે.
સ્ટ્રેસ (માનસિક તણાવ): આજના સમયમાં યુવાનોમાં કામ અને અંગત જીવનનો તણાવ સ્ટ્રોકનું મોટું કારણ બન્યું છે.
બેઠાડું જીવન: કસરતનો અભાવ અને સતત બેસી રહેવાની આદત શરીરને નબળું પાડે છે.
ખોટી ખાનપાનની આદતો: જંક ફૂડ અને વ્યસનોને લીધે નાની ઉંમરે હૃદય અને મગજની બીમારીઓ ઘર કરી રહી છે.
તબીબો સલાહ આપે છે કે જો શરીરના કોઈ અંગમાં નબળાઈ જણાય, બોલવામાં તકલીફ પડે કે ચહેરો એક તરફ નમી જાય, તો વિલંબ કર્યા વગર તુરંત જ 'ગોલ્ડન અવર'માં હોસ્પિટલ પહોંચવું જોઈએ જેથી પેરાલિસિસની અસરોને ટાળી શકાય.