આજે RCB અને GT વચ્ચે ફાઇનલ મેચઃ વૈભવ સૂર્યવંશી, એબીડી વિલિયર્સ, વરુણ ધવન સહિતના સેલેબ્સ અમદાવાદ પહોંચ્યા

રાજસ્થાન રોયલ્સના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ખાતે પહોંચ્યા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 31 May 2026 04:10 PM (IST)Updated: Sun, 31 May 2026 04:10 PM (IST)
rcb-vs-gt-final-today-at-narendra-modi-stadium-celebs-arrive-in-ahmedabad

IPL 2026 Final: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL 2026)ની ફાઇનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમાનારી છે. મેચ જોવા માટે ક્રિકેટ અને મનોરંજન ક્ષેત્રના સેલિબ્રિટિઝ અમદાવાદ આવી પહોંચ્યા છે. વૈભવ સૂર્યવંશી, રવિ શાસ્ત્રી, એબીડી વિલિયર્સ સહિતના ખેલાડીઓ ઉપરાંત વરુણ ધવન, મૃણાલ ઠાકુર સહિતના બોલિવૂડ સ્ટાર્સ મેચ નિહાળવા આવ્યા છે. માત્ર 1.5 કલાકમાં 45 હજાર જેટલી ટિકિટ વેચાઇ ગઇ હતી.

વૈભવ સૂર્યવંશી ફાઇનલ જોવા અમદાવાદ પહોંચ્યા

રાજસ્થાન રોયલ્સના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ખાતે પહોંચ્યા છે. વરૂણ ધવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર સહિતના કલાકારો અમદાવાદ આવી પહોંચ્યા છે.

આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન અમદાવાદ પહોંચ્યા

આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ખાતે પહોંચ્યા. આદિત્ય બિરલા ગ્રુપ એક બહુ-રોકાણકાર કન્સોર્ટિયમનો ભાગ છે જેણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ફ્રેન્ચાઇઝીની 100 ટકા માલિકી હસ્તગત કરી છે.

એબીડી વિલિયર્સ, રવિ શાસ્ત્રી સહિતના પૂર્વ ક્રિકેટર્સ પહોંચ્યા

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર અજિત અગરકર, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રી અને ભૂતપૂર્વ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર એબી ડી વિલિયર્સ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ખાતે પહોંચ્યા હતા.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ફાઇનલ જોવી અનોખો અનુભવઃ અનુરાગ ઠાકૂર

IPL 2026ની ફાઇનલ જોવા માટે અમદાવાદ આવેલા ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે,આજે, વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ, IPLની ફાઇનલ, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ફાઇનલ જોવી એ એક અનોખો અનુભવ છે, જેમાં લગભગ 125,000 દર્શકો હાજર છે. તમે વાતાવરણ અને ધમાલની કલ્પના કરી શકો છો; જ્યારે બે ટોચની ટીમો અહીં રમશે, ત્યારે મને લાગે છે કે ફાઇનલ ધમાકેદાર હશે. તો, સાંજ અને ફાઇનલ મેચની રાહ જુઓ.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચાહકોની ભીડ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર આરસીબી અને ગુજરાત ટાઇટન્સના ચાહકોની મોટી ભીડ સવારથી જોવા મળી છે. વિરાટ કોહલી જેવો દેખાતા યુવક સાથે ફોટો પડાવવા માટે ચાહકોની પડાપડી જોવા મળી હતી. તંત્ર દ્વારા મેચ અંગે ગાઇલાઇન જારી કરવામાં આવી છે, જે અનુસાર, મેચ જોવા આવનારા પ્રેક્ષકોને 4.30 વાગ્યાથી સ્ટેડિયમની અંદર પ્રવેશ અપાશે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જળવાય એ માટે સ્ટેડિયમ તરફ જતાં માર્ગો પર સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું છે.

ટિકિટની કાળાબજારી કરનારા સામે કાર્યવાહી

આઇપીએલ 2026ના ટિકિટની કાળાબજારી કરતા તત્વો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઝોન 2 એલસીબીએ સ્ટેડિયમ બહારથી મોહક શાહ નામના શખ્સને ઝડપ્યો છે. જેની પાસેથી બે ટિકિટ મળી આવી હતી. તે 2500ની ટિકિટ 10 હજારમાં વેચવા પ્રયાસ કરી રહ્યો હતો. આ ઉપરાંત ચાંદખેડા પોલીસે ન્યૂ સીજી રોડ પરથી મોનુ ગની નામના શખ્સને ઝડપ્યો છે. જે 6 હજારમાં ટિકિટ વેચતો હતો. નારણપુરા પોલીસે પ્રગતિનગર ચાર રસ્તા પાસેથી આયુષ દરજી, જીત શાહ, દેવાંશ ભટ્ટ અને જયદીપ પરમારને ઝડપ્યા છે. જેમની પાસેથી 10 ટિકિટો મળી આવી હતી.