રાજકોટ-અમદાવાદ હાઈવે ફરી શરૂ; બાવળા પાસે પાણી ઓસરતા વાહનવ્યવહાર પૂર્વવત, રાજ્યના 357 રસ્તાઓ હજુ પણ બંધ

રાજ્યના કુલ 357 રસ્તાઓ હાલ વાહનવ્યવહાર માટે બંધ છે, જેમાં 22 સ્ટેટ હાઈવે અને 298 પંચાયત હસ્તકના રસ્તાઓનો સમાવેશ થાય છે. વીજ પુરવઠાની વાત કરીએ તો, અસરગ્રસ્ત 4,275 ગામોમાંથી 4,272 ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 26 Jul 2026 05:03 PM (IST)Updated: Sun, 26 Jul 2026 05:03 PM (IST)
rajkotahmedabad-highway-reopens-to-traffic-357-roads-remain-closed

Ahmedabad News: રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે વાહનવ્યવહાર માટે ફરી ખુલ્લો મુકાયો છે. ભારે વરસાદના પગલે બાવળા પાસે પૂરના પાણી ફરી વળતા આ મુખ્ય માર્ગ બંધ કરી ટ્રાફિકને ધોળકા એક્સપ્રેસ-વે પર ડાઈવર્ટ કરવામાં આવ્યો હતો. રાજ્યના કુલ 357 રસ્તાઓ હાલ વાહનવ્યવહાર માટે બંધ છે, જેમાં 22 સ્ટેટ હાઈવે અને 298 પંચાયત હસ્તકના રસ્તાઓ છે. રાજ્યમાં સિઝનનો 53.67% વરસાદ નોંધાયો છે અને પૂરની સ્થિતિને જોતા અત્યાર સુધીમાં 52,085 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે. જ્યારે 21 જળાશયો તેની પૂર્ણ સપાટીની નજીક પહોંચતા 'હાઈ એલર્ટ' જાહેર કરાયા છે.

સણાથલ-બગોદરા હાઈવે પુનઃ કાર્યરત

હાલમાં સણાથલ-બગોદરા હાઈવે પુનઃ કાર્યરત થઇ ગયો છે અને ત્યાં વાહનવ્યવહાર પુર્વવત કરવામાં આવ્યો છે. પોલીસ તંત્રે નાગરિકોને મુસાફરી દરમિયાન ગતિમર્યાદાનું ચુસ્તપણે પાલન કરવા તેમજ સ્થાનિક સૂચનાઓ અનુસરવા વિનંતી કરી છે. આ ઉપરાંત, કોઈપણ ઇમરજન્સી કે આપત્તિના સમયે નાગરિકોને '112' નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.

અત્યાર સુધીમાં કુલ 7,995 લોકોનું રેસ્ક્યુ કરાયું

અત્યાર સુધીમાં કુલ 7,995 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાં સુરત જિલ્લામાં સૌથી વધુ 3,439 અને વલસાડમાં 3,125 લોકોનો સમાવેશ થાય છે. સ્થળાંતરિત થયેલા 52,085 લોકોમાં સૌથી વધુ સંખ્યા વલસાડ (21,028) અને નવસારી (16,470) જિલ્લાની છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRFની 17 ટીમો, SDRFની 33 પ્લાટૂન અને ભારતીય સેનાની 5 ટીમો તૈનાત કરવામાં આવી છે.

રાજ્યના 357 રસ્તાઓ હાલ બંધ

રાજ્યના કુલ 357 રસ્તાઓ હાલ વાહનવ્યવહાર માટે બંધ છે, જેમાં 22 સ્ટેટ હાઈવે અને 298 પંચાયત હસ્તકના રસ્તાઓનો સમાવેશ થાય છે. વીજ પુરવઠાની વાત કરીએ તો, અસરગ્રસ્ત 4,275 ગામોમાંથી 4,272 ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી છે, જ્યારે 891 વીજ થાંભલાઓ ઊભા કરવાની કામગીરી હજુ બાકી છે. એસ.ટી. નિગમને (GSRTC) પણ વરસાદને કારણે મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. અહેવાલ મુજબ, 436 રૂટ અને 1,424 બસ ટ્રીપ રદ કરવામાં આવતા નિગમને અંદાજે 3,609,443 રૂપિયાની આવક ગુમાવવી પડી છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.

21 ડેમોને હાઈ એલર્ટ પર, રાજ્યમાં સિઝનનો 53 ટકા વરસાદ

અત્યારસુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 53.67 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 77.42% વરસાદ નોંધાયો છે. તે પછી પૂર્વ મધ્ય ગુજરાતમાં 45.22% અને સૌરાષ્ટ્રમાં 43.50% વરસાદ થયો છે. કચ્છમાં અત્યાર સુધીમાં સૌથી ઓછો 18.89% વરસાદ પડ્યો છે. નર્મદા યોજનાનો સરદાર સરોવર ડેમ હાલ 69.25% ભરાયેલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 45.17% પાણીનો સંગ્રહ છે. હાલમાં 21 ડેમ 90% થી વધુ ભરાઈ જવાથી હાઈ એલર્ટ પર છે, જ્યારે 4 ડેમ એલર્ટ અને 14 ડેમ વોર્નિંગ હેઠળ છે. નવસારીના જુજ અને કેલિયા, ભરૂચનો ધોલી, મહીસાગરનો વણાકબોરી અને અમરેલીનો ધાતરવડી ડેમ હાલ ઓવરફ્લો થઈ રહ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં યુદ્ધના ધોરણે કામગીરી

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા 24x7 યુદ્ધના ધોરણે રસ્તાઓના પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત થયેલા 284 પૈકી 192 રસ્તાઓ વાહનવ્યવહાર માટે પુનઃ શરૂ કરી દેવાયા છે, જેના પરિણામે 182 ગામોનું સંપર્ક જોડાણ ફરી સ્થાપિત થયું છે. પરિસ્થિતિને થાળે પાડવા માટે દક્ષિણ ગુજરાતમાં 145 અને સુરતમાં 107 ટીમો જેસીબી, ડમ્પર અને પેવર મશીનરી સાથે સતત કાર્યરત છે. ગાંધીનગર કંટ્રોલ રૂમ અને સ્થાનિક સ્તરે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરીને સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

સુરત શહેરમાં 23 રસ્તાઓ વાહનવ્યવહાર માટે ખુલ્લા મુક્યા

સુરત શહેરમાં પૂરની સ્થિતિ ઓસર્યા બાદ મહાનગરપાલિકા દ્વારા સફાઈ અને માર્ગ મરામતની કામગીરી તેજ કરવામાં આવી છે. તંત્ર દ્વારા અગાઉ બંધ કરાયેલા 24 પૈકી 23 રસ્તાઓ પરથી કાદવ-કીચડ દૂર કરી તેને વાહનવ્યવહાર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જોકે, કોઝવે સર્કલ નજીકનો રસ્તો પાણી સંપૂર્ણપણે ઓસર્યા બાદ જ શરૂ કરવામાં આવશે. ભરત કેન્સર હોસ્પિટલ રોડ, સારોલી અને સણીયા ગામે જેસીબી તથા જેટીંગ મશીનની મદદથી માર્ગો પૂર્વવત કરાયા છે.

માઉન્ટ આબુમાં પર્યટકોની ભીડ

વરસાદી માહોલ વચ્ચે રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પ્રકૃતિ ખીલી ઉઠી છે. આહલાદક વાતાવરણનો આનંદ માણવા ગુજરાત અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. 18 કિલોમીટરની ઊંચાઈ પર ધુમ્મસભર્યા વાતાવરણ અને ધીમી ધારે વરસી રહેલા વરસાદને કારણે પર્યટન સ્થળો પર ભારે ભીડ જોવા મળી રહી છે.