Pulses Exports From Gujarat: ગુજરાતમાંથી કઠોળની નિકાસ ગત વર્ષની સરખામણીમાં બમણી વધી 247,789 ટન થઈ

કઠોળની ખેતી અને ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વિશ્વભરમાં 10 ફેબ્રુઆરીનો દિવસ ‘વિશ્વ કઠોળ દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 09 Feb 2025 07:25 PM (IST)Updated: Sun, 09 Feb 2025 07:29 PM (IST)
pulses-exports-from-gujarat-double-to-247789-tones-compared-to-last-year

Pulses Exports From Gujarat: તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કૃષિ મહોત્સવ જેવી પહેલો તેમજ સુજલામ સુફલામ અને સૌની યોજના જેવી સિંચાઈ યોજનાઓને કારણે ગુજરાતના કૃષિ ક્ષેત્રનો અભૂતપૂર્વ વિકાસ થયો છે.જ્યારે ખેડૂતોને લક્ષિત સબસીડીઓ પ્રદાન કરીને તેમજ વ્યૂહાત્મક પ્રયાસો દ્વારા કૃષિપેદાશોની નિકાસમાં પણ ગુજરાત ઘણું મજબૂત થયું છે.

કઠોળ,ગુવાર ગમ અને ડેરી ઉત્પાદનોની નિકાસમાં નોંધપાત્ર વધારો
એપ્રિલ 2024થી જાન્યુઆરી 2025 સુધીના નિકાસના આંકડાઓ પર નજર નાંખીએ તો ગુજરાતે કઠોળ,ગુવાર ગમ અને ડેરી ઉત્પાદનોની નિકાસમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે.

2,47,789 ટન કઠોળની નિકાસ
એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA)ના અહેવાલ પ્રમાણે આ સમયગાળા દરમિયાન 2,47,789 ટન કઠોળની નિકાસ થઈ છે,જે ગત વર્ષ કરતા બમણી છે. નિકાસકારોને પણ ડોલરમાં આવકનો ફાયદો થયો છે, જેના કારણે પણ નિકાસમાં વધારો થયો છે.

10 ફેબ્રુઆરીનો દિવસ ‘વિશ્વ કઠોળ દિવસ’ તરીકે ઊજવણી
ઉલ્લેખનીય છે કે કઠોળની ખેતી અને ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વિશ્વભરમાં 10 ફેબ્રુઆરીનો દિવસ ‘વિશ્વ કઠોળ દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. વિશ્વમાં કઠોળના સૌથી મોટા ઉત્પાદક અને વપરાશકાર દેશ તરીકે ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ વર્ષના બજેટ સત્રમાં તુવેર, અડદ અને મસૂર જેવા કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભરતાને પ્રાથમિકતા આપી છે, તેમજ કઠોળના ઉત્પાદનને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો છે.

મુખ્યમમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત આજે કઠોળના ઉત્પાદનમાં એક મુખ્ય યોગદાનકર્તા રાજ્ય તરીકે ઉભર્યું છે અને આ મહત્વપૂર્ણ ક્ષેત્રે દેશની આત્મનિર્ભરતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

મગ, અડદની ઉત્પાદકતામાં ગુજરાત દેશમાં પાંચમું સ્થાન
તુવેર અને ચણાના અનુક્રમે 1163 કિગ્રા પ્રતિ હેક્ટર અને 1699 કિગ્રા પ્રતિ હેક્ટરના ઉત્પાદન સાથે ગુજરાત આ બંને કઠોળના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આ ઉપરાંત મગ અને અડદની ઉત્પાદકતામાં ગુજરાત દેશમાં પાંચમું સ્થાન ધરાવે છે. જેમાં મગનું ઉત્પાદન 810 કિગ્રા પ્રતિ હેક્ટર અને અડદનું ઉત્પાદન 721 કિગ્રા પ્રતિ હેક્ટર છે. ગુજરાતમાં ચણા, મગ, અડદ, મઠ, તુવેર, ચોળા, વાલ, વટાણા વગેરે જેવા વિવિધ પ્રકારના કઠોળનું વાવેતર થાય છે.