Pregnancy Testing Racket: SOG અને આરોગ્ય વિભાગે હોટેલના રૂમ નંબર 105 માં રેડ કરતાં 300 થી 350 ગ્રામ વજનનું સાડા 4 માસનું ભ્રૂણ, દવા અને સાધનો મળી આવ્યા છે. ગર્ભપાત કરાવવા મહિલા વડોદરાના પાદરાથી નણંદની સાથે આવેલ હતી. બાવળા પોલીસે ત્રણ મહિલાઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના ડોક્ટર સાથે મહિલાનું ગર્ભ પરીક્ષણનું નેટવર્ક જોડાયેલું હતું. તે કોણ છે, આવા કેટલા ગર્ભપાત કર્યા તે અંગે તપાસ કર્યા બાદ માહિતી બહાર આવશે. બાવળાના સાણંદ રોડ ઉપર આવેલા પનામા ગેસ્ટહાઉસમાં રૂપિયા 2500 આપી બે રૂમ ભાડે રાખી ગર્ભપાત કરાવાતો હતો. ગેસ્ટહાઉસના રૂમ નં.105 માં ધોળકાના કલિકુંડ વિસ્તારમાં રહેતી હેમલત્તા દરજી મેડિકલની પ્રેક્ટિસ વિના ગર્ભવતી મહિલાઓનું ગેરકાયદે ગર્ભપાત કરાવતી હતી.
તાલુકા આરોગ્ય અધિકારી ડો. મહેતા, અર્બન હેલ્થ સેન્ટરના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો. રબારી અને તેમની ટીમે બાતમીના આધારે આ દરોડો પાડ્યો હતો. હોટેલના રૂમમાંથી સેટી પલંગની નજીકમાં એક પ્લાસ્ટિકની કોથળીમાં રાખેલું મૃત ભ્રૂણ મળી આવ્યું હતું.
