અમદાવાદમાં ટ્રાફિક પોલીસની 'સર્જીકલ સ્ટ્રાઈક': સરકારી કચેરીઓમાં 1260 કર્મચારીઓને દંડ્યા; 71 પોલીસકર્મીઓ પણ હેલ્મેટ વગર પકડાયા

શહેરના માર્ગો પર શિસ્ત લાવવા માટે હવે પોલીસ માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, પણ નિયમ તોડતા સરકારી અધિકારીઓ સામે પણ લાલ આંખ કરશે તે સ્પષ્ટ થઈ ગયું છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 04 Jan 2026 08:54 AM (IST)Updated: Sun 04 Jan 2026 08:54 AM (IST)
police-conduct-secret-drive-in-government-offices-in-ahmedabad-1260-arrested-667706

Ahmedabad Traffic Police: ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતી પોલીસ જ્યારે પોતે જ નિયમો તોડે ત્યારે જનતામાં ખોટો સંદેશ જતો હોય છે. આ બાબતને ગંભીરતાથી લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરની વિવિધ સરકારી કચેરીઓમાં એક ગુપ્ત ડ્રાઈવ યોજી હતી. આ એક જ દિવસની કાર્યવાહીમાં હેલ્મેટ વગર વાહન ચલાવનારા, ડાર્ક ફિલ્મ લગાવનારા અને નંબર પ્લેટ વગરના વાહનો રાખનારા 1260 સરકારી કર્મચારીઓ ઝડપાયા હતા, જેમની પાસેથી કુલ 5.89 લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

71 પોલીસકર્મીઓ પણ દંડાયા

આ ડ્રાઈવની સૌથી મોટી ખાસિયત એ રહી કે પોલીસે પોતાના જ વિભાગના કર્મચારીઓ સામે પણ કડક હાથે કામ લીધું હતું. કુલ 71 પોલીસ કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર ફરજ પર આવતા પકડાયા હતા. આ ઉપરાંત, પોલીસ વિભાગની જ ડાર્ક ફિલ્મવાળી 1 કાર અને નંબર પ્લેટ વગરની 8 કાર પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય કચેરીઓમાં પણ કડક તપાસ

અમદાવાદ ટ્રાફિક પોલીસે અન્ય સરકારી કચેરીઓના પાર્કિંગ અને એન્ટ્રી પોઈન્ટ પર વોચ ગોઠવી હતી, જેમાં:

  • હેલ્મેટ ભંગ: 1189 કર્મચારીઓ હેલ્મેટ વગર ઝડપાયા, જેમની પાસેથી 5.54 લાખનો દંડ વસૂલાયો.
  • ડાર્ક ફિલ્મ: 15 કારમાં કાચ પર કાળી ફિલ્મ લગાવેલી હોવાથી 9 હજારનો દંડ ફટકારાયો.
  • નંબર પ્લેટ: 46 વાહનો નંબર પ્લેટ વગરના મળી આવતા 14 હજારનો દંડ વસૂલવામાં આવ્યો.
  • પોલીસે ગંભીર બેદરકારી બદલ 9 વાહનો ડિટેઈન પણ કર્યા હતા.

કર્મચારીઓના બહાના

જ્યારે દંડ ફટકારવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે શિક્ષિત ગણાતા સરકારી કર્મચારીઓએ બચવા માટે હાસ્યાસ્પદ બહાનાઓ રજૂ કર્યા હતા:

  • કેટલાકે દલીલ કરી કે "હેલ્મેટ પહેરવાથી ગૂંગળામણ થાય છે અને વાળ ખરે છે."
  • પોલીસ કર્મચારીઓએ બચાવ કર્યો કે, "બંદોબસ્તમાં જવાની ઉતાવળમાં હેલ્મેટ ઘરે ભૂલી ગયા છીએ."
  • અમુક કર્મચારીઓએ વગ બતાવતા કહ્યું કે, "અમારા ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો છે, એટલે આ વખતે જવા દો."
  • તો કોઈએ વળી "ગાડી સંબંધીની છે" તેવો રાગ આલાપ્યો હતો, પરંતુ ટ્રાફિક પોલીસે એક પણ બહાનું માન્યા વગર દંડ વસૂલ્યો હતો.

અમદાવાદ ટ્રાફિક પોલીસની આ કાર્યવાહીથી સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે. શહેરના માર્ગો પર શિસ્ત લાવવા માટે હવે પોલીસ માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, પણ નિયમ તોડતા સરકારી અધિકારીઓ સામે પણ લાલ આંખ કરશે તે સ્પષ્ટ થઈ ગયું છે.