PM Modi Gujarat Visit Schedule 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી મહિનાના અંત ભાગમાં ગુજરાતની મુલાકાત લઇ શકે છે. આ મુલાકાત દરમિયાન તેઓ સાણંદની મુલાકાત લેશે. સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજી દ્વારા સેમીકન્ડક્ટર પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી પ્લાન્ટની પ્રથમ ચીપનું લોન્ચિંગ કરીને દેશને સમર્પિત કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતમાં એક હબ તરીકે પ્રસ્થાપિત થઇ રહ્યું છે. સેમીકન્ડક્ટર સાથે જોડાયેલા ઉદ્યોગો ગુજરાત આવી રહ્યાં છે. માઇક્રોન કંપની અને ટેક્નોલોજી પાર્ટનર દ્વારા સાણંદ ખાતે સેમીકન્ડક્ટર પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ પ્લાન્ટ દેશનો સૌથી મોટો પ્લાન્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પીએમ મોદીની 28 ફેબ્રુઆરીની મુલાકાત સાણંદ સ્થિત આ સેમીકન્ડક્ટર પ્લાન્ટ કેન્દ્રિત હોઇ શકે છે.
28 ફેબ્રુઆરીના રોજ શનિવાર હોવાથી વિધાનસભાના બજેટ સત્રમાં રજા હશે. હાલ તો પીએમ મોદીનો માત્ર સાણંદ પૂરતો જ પ્રવાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છેકે, પીએમ મોદી દ્વારા અમદાવાદમાં સભા અને રોડ શો કરવામાં આવી શકે છે. જોકે આગામી સમયમાં તેમના અન્ય કાર્યક્રમ ગોઠવાય શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યા બાદ એ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. બીજી તરફ એવા અહેવાલ પણ છેકે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ આ સપ્તાહમાં ગુજરાત આવી શકે છે. સંભવતઃ તેઓ 15 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની મુલાકાત લઇ શકે છે.
