દિવાળી પર PM મોદી આપશે રૂ.8,000? વાયરલ મેસેજથી સાવધાન, એક ક્લિકમાં WhatsApp હેક અને બેન્ક એકાઉન્ટ ખાલી!

દિવાળી પર PM મોદી દ્વારા રૂ. 8,000 ની રોકડ સહાય આપવાનો વાયરલ મેસેજ તદ્દન નકલી છે. ગુજરાત સાયબર ક્રાઈમે ચેતવણી આપી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 14 Nov 2026 08:27 AM (IST)Updated: Sat, 14 Nov 2026 08:27 AM (IST)
pm-modi-diwali-8000-rupees-sahay-fake-viral-message-whatsapp-hack-cyber-crime-alert

Gujarat Cyber Crime Alert: તહેવારોની સિઝનમાં લોકોની લાગણી અને લાલચનો ફાયદો ઉઠાવીને સાયબર ગઠિયાઓએ છેતરપિંડીનો એક નવો કિમીયો અજમાવ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદી દ્વારા દિવાળી નિમિત્તે નાગરિકોને રુ.8 હજારની રોકડ સહાય આપવામાં આવી રહી હોવાનો મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જોકે, ગુજરાત પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ મેસેજને તદ્દન નકલી અને બનાવટી ગણાવીને લોકોને સાવધાન રહેવા ચેતવણી આપી છે .

લિંક પર ક્લિક કરતાં વોટ્સઅપ હેક

સાયબર ક્રાઈમ ડીસીપી લવીના સિંહાએ સ્પષ્ટતા કરી છે કે, સરકાર દ્વારા આવી કોઈ યોજનાની જાહેરાત નથી કરવામાં આવી. આ સાયબર ગઠિયાઓ દ્વારા લોકોના બેન્ક એકાઉન્ટ સાફ કરવા અને વોટ્સએપ હેક કરવાનું એક મોટું ષડયંત્ર છે. જેમાં સૌથી પહેલા સાયબર અપરાધીઓ દ્વારા મોકલાયેલી લિંક પર ક્લિક કરવાથી યુઝરનો મોબાઈલ નંબર માંગવામાં આવે છે. જે બાદ યુઝરના વોટ્સએપમાં લિંક ડિવાઈસ ફીચરનો ઉપયોગ કરીને 8 અંકનો કોડ દાખલ કરવામાં આવે છે, જે બાદ જેવો જ યુઝર પોતાનો કોડ નાખે છે તેવું જ વોટ્સએપ એકાઉન્ટનું સંપૂર્ણ નિયંત્રણ સાયબર અપરાધી પાસે જતું રહે છે.

APK ફાઈલ દ્વારા બેન્ક ખાતુ સાફ થવાનું જોખમ

સાયબર ઠગો દ્વારા વોટ્સએપ હેક કર્યા બાદ આટલેથી ન અટકતાં ફોન પે ના નામે એક નકલી એપીકે ફાઈલ મોકલીને ડાઉનલોડ કરાવે છે. આ જોખમી ફાઈલ ફોનમાં ઇન્સ્ટોલ થતાં જ હેકર્સને યુઝરને ફોનના એસએમએસ, બેન્કિંગ ઓટીપી અને પ્રાઈવેટ ડેટાનો સીધો એક્સેસ મળી જાય છે. જે બાદ તે ગણતરીની મિનિટોમાં જ બેન્ક એકાઉન્ટની તમામ રકમ સફાસટ્ટ કરી શકે છે.

સાયબર ઠગાઈથી બચવા આટલું ચોક્કસ કરો

  • WhatsApp ચેક કરો: તમારા વોટ્સએપના 'Linked Devices' ઓપ્શનમાં જઈને તપાસો કે કોઈ અજાણ્યું ડિવાઈસ લિંક તો નથી ને? જો હોય તો તુરંત જ લોગઆઉટ કરો.
  • APK ફાઈલથી દૂર રહો: વોટ્સએપ કે ટેલિગ્રામ પર આવતી કોઈપણ અજાણી APK ફાઈલ ભૂલથી પણ ડાઉનલોડ ન કરો.
  • લિંક ફોરવર્ડ ન કરો: રૂ. 8 હજારની સહાયવાળો મેસેજ ન તો ઓપન કરો કે ન તો અન્ય ગ્રુપમાં ફોરવર્ડ કરો. કોઈપણ સરકારી યોજનાની માહિતી માત્ર સત્તાવાર સરકારી વેબસાઈટ પર જ ચકાસો.