પોતાના ઘરનું સપનું થશે સાકાર: પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા, પાત્રતા અને જરૂરી ડોક્યુમેન્ટ વિશે જાણો

PMAY-U 2.0 હેઠળ લાભાર્થીઓને તેમની જરૂરિયાત મુજબ ચાર અલગ-અલગ રીતે સહાય પૂરી પાડવામાં આવે છે:

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 17 Feb 2026 12:20 PM (IST)Updated: Tue, 17 Feb 2026 12:20 PM (IST)
pm-awas-yojana-2026-gujarat-application-process-where-to-apply-online-and-offline-required-documents

PM Awas Yojana 2026 Required Documents: મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે પોતાના ઘરનું ઘર હોવું એ એક જીવનભરનું સપનું હોય છે. આ સપનાને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 (PMAY-U 2.0) અંતર્ગત નવા આવાસો માટેની નોંધણી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. જો તમે અમદાવાદ, વડોદરા, સુરત જેવા મહાનગરો કે નવસારી, જેતપુર, અમરેલી અને ઉપલેટા જેવા શહેરોમાં ભાડાના મકાનમાં રહો છો, તો આ યોજના તમારા માટે સુવર્ણ તક સમાન છે.

કોણ કરી શકે છે અરજી? (કેટેગરી અને આવક મર્યાદા)

આ યોજનાનો લાભ લેવા માટે સરકારે આવકના આધારે અલગ-અલગ શ્રેણીઓ નક્કી કરી છે:

  • EWS (આર્થિક રીતે નબળા વર્ગ): વાર્ષિક આવક ₹3 લાખ સુધી.
  • LIG (અલ્પ આવક ધરાવતો વર્ગ): વાર્ષિક આવક ₹3 લાખથી ₹6 લાખ સુધી.
  • MIG (મધ્યમ આવક ધરાવતો વર્ગ): વાર્ષિક આવક ₹6 લાખથી ₹9 લાખ સુધી.

યોજનાના મુખ્ય ચાર સ્તંભો (ઘટકો)

PMAY-U 2.0 હેઠળ લાભાર્થીઓને તેમની જરૂરિયાત મુજબ ચાર અલગ-અલગ રીતે સહાય પૂરી પાડવામાં આવે છે:

  • 1) લાભાર્થી આધારિત નિર્માણ (BLC): જે પરિવારો પાસે પોતાની જમીન છે પરંતુ પાકું મકાન નથી, તેમને 45 ચોરસ મીટર સુધીનું ઘર બાંધવા માટે ₹2.5 લાખ સુધીની આર્થિક સહાય મળે છે.
  • 2) ભાગીદારીમાં કિફાયતી આવાસ (AHP): જાહેર કે ખાનગી એજન્સીઓ દ્વારા નિર્મિત આવાસ પ્રોજેક્ટ્સમાં ઘર ખરીદવા માટે EWS પરિવારોને ₹2.5 લાખ સુધીની મદદ મળે છે.
  • 3) કિફાયતી ભાડાના આવાસ (ARH): જે લોકો મકાન ખરીદી શકવાની ક્ષમતા ધરાવતા નથી, તેમના માટે શહેરી પ્રવાસીઓ, કામકાજી મહિલાઓ અને શ્રમિકો માટે ભાડાના મકાનોની વ્યવસ્થા કરવામાં આવે છે.
  • 4) વ્યાજ સબ્સિડી યોજના (ISS): જો તમે બેંકમાંથી હોમ લોન લઈને ઘર ખરીદવા માંગતા હોવ, તો લોનના વ્યાજ પર સબ્સિડી આપવામાં આવે છે. આમાં EWS/LIG અને MIG એમ ત્રણેય શ્રેણીના લોકો પાત્ર છે.

અરજી માટે જરૂરી દસ્તાવેજોની યાદી

ઓનલાઈન ફોર્મ ભરતી વખતે નીચે મુજબના દસ્તાવેજો સ્કેન કરીને PDF ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે:

  • આધાર કાર્ડ: અરજદાર અને પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ ફરજિયાત છે.
  • બેંક વિગતો: આધાર સાથે લિંક હોય તેવા બેંક ખાતાની પાસબુક અથવા કેન્સલ ચેક (સહાયની રકમ DBT દ્વારા સીધી ખાતામાં આવશે).
  • આવકનું પ્રમાણપત્ર: કેટેગરી નક્કી કરવા માટે મામલતદાર કે સક્ષમ અધિકારીનું આવકનું પ્રમાણપત્ર અથવા સેલરી સ્લિપ/ITR.
  • ઓળખ અને સરનામાનો પુરાવો: PAN કાર્ડ, વોટર ID, રેશન કાર્ડ, વીજળી બિલ કે ભાડા કરાર.
  • જાતિનું પ્રમાણપત્ર: SC/ST કે OBC કેટેગરીમાં આવતા હોય તો તેનું પ્રમાણપત્ર.
  • ફોટોગ્રાફ: પાસપોર્ટ સાઈઝના બે ફોટા.
  • સોગંદનામું (Affidavit): એફિડેવિટમાં જણાવવાનું રહેશે કે અરજદાર કે તેના પરિવાર પાસે દેશમાં ક્યાંય અન્ય પાકું મકાન નથી.
  • જમીનના દસ્તાવેજો: જો પોતાની જમીન પર મકાન બાંધવું હોય (BLC) તો માલિકીનો પટ્ટો કે દસ્તાવેજ.

અરજી ક્યાં અને કેવી રીતે કરવી?

લાભાર્થીઓ સીધા જ સત્તાવાર પોર્ટલ પર જઈને પોતાની પાત્રતા તપાસી શકે છે અને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે:

સ્ટેપ

  • 1) વેબસાઈટ પર જઈને 'Eligibility Check' પર ક્લિક કરો.
  • 2) તમારી શ્રેણી (EWS/LIG/MIG) પસંદ કરો અને આધાર વિગતો દાખલ કરો.
  • 3) માંગેલી તમામ વ્યક્તિગત અને મિલકતની વિગતો ભરો.
  • 4) જરૂરી દસ્તાવેજો અપલોડ કરી સબમિટ કરો.

ધ્યાન રાખવા જેવી બાબતો

અરજી કરતા પહેલા યોજનાના ચાર ઘટકોમાંથી યોગ્ય ઘટકની પસંદગી કરવી જરૂરી છે, કારણ કે એકવાર પસંદગી કર્યા પછી તેમાં ફેરફાર કરી શકાશે નહીં. ફોર્મ ભરવાથી સીધો લાભ મળતો નથી; રાજ્ય સરકાર અને શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા તમારી પાત્રતાની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ જ લકી ડ્રો અથવા યોગ્યતાના ધોરણે મકાન ફાળવવામાં આવશે. કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય વર્ષ 2029 સુધીમાં તમામ પાત્ર શહેરી પરિવારોને પાકું આવાસ અને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાનો છે.