Prajapati and Patidar Bhavan: પુરુષ સમોવડી બનેલી મહિલાઓ વધુ મજબૂત અને આત્મનિર્ભર બને માટે સર્વ સમાજ સતત પ્રયાસો કરે છે. વર્ષ 2026 પણ દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણને કેન્દ્ર સ્થાને રાખી વિવિધ સમાજ માટે મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. આ કડીમાં હવે પાટીદાર, પ્રજાપતિ અને જૈન સમાજનું નામ પણ જોડાવા જઈ રહ્યું છે.
અમદાવાદના ઉમિયા કેમ્પસમાં પાટીદાર સમાજના ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. બીજી તરફ પ્રજાપતિ સમાજના ભવનનું નિર્માણ પણ વસ્ત્રાલ ખાતે થઈ રહ્યું છે. આ સાથે જૈન સમાજની કન્યા શાળા પણ શરૂ થઈ રહી છે.
જૈન કન્યા શાળા
જૈન સમાજ દ્વારા પાલડી ખાતે કન્યા શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જૈન સમાજની આ પહેલ ખાસ કન્યાઓને ધ્યાને રાખી કરવામાં આવી છે. આ જૈન સમાજની પ્રથમ દીકરીઓ માટેની શાળા હશે. આ શાળમાં પ્રવેશ પ્રક્રિયા જાન્યુઆરી માસથી જ શરૂ થઈ ગઈ છે. જે બાદ શાળા જૂન માસથી શરૂ થશે. આ શાળામાં 600 કન્યાઓ માટે આધુનિક શિક્ષણ પદ્ધતિ સાથે નૈતિક અને સંસ્કાર આધારિત અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: Kankaria Carnival 2025: મનોરંજન સભર સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે કાંકરિયા કાર્નિવલનું સમાપન
પાટીદાર સમાજ ભવન
અમદાવાદના સોલા સ્થિત ઉમિયા કેમ્પસમાં ખાસ કન્યાઓ માટે 15 માળનું અદ્યતન ભવન તૈયાર થઈ રહ્યું છે. અદાંજે 1400 દીકરીઓની ક્ષમતા ધરાવતા આ ભવનમાં સંપૂર્ણ હોસ્ટલ સુવિધા, આધુનિક અભ્યાસ કક્ષાઓ, લાયબ્રેરી, મેસ અને સુરક્ષા વ્યવસ્થા હશે. અંદાજે જૂન મહિનામાં શરૂ થનારા આ ભવન કન્યાઓના સર્વાંગી વિકાસ પર કેન્દ્રિત હશે.
અમદાવાદના વસ્ત્રાલમાં પ્રજાપતિ સમાજનું ભવન તૈયાર થઈ રહ્યું છે. સાત માળ ઊંચું આ ભવન અંદાજે ઓગસ્ટ માસમાં બનીને તૈયાર થશે. આ ભવનમાં શિક્ષણ અને રહેણાંકની સુવિધા હશે. વધુમાં સામાજિક કાર્યક્રમોર ખાસ હોલ પણ હશે. અહીં 600 કન્યાઓની ક્ષમતા ધરાવતી હોસ્ટેલ પણ હશે.
