Ahmedabad: આનંદો! અમદાવાદ મનપાએ શરૂ કરી "વ્યાજ માફી સ્કીમ", કરદાતાને 100 ટકા સુધીની રાહત

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આજે 1 જાન્યુઆરીથી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના માત્ર ચાલુ વર્ષના બીલ પર જ લાગુ પડશે, વાંચો સમગ્ર વિગત…

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Thu 01 Jan 2026 09:48 AM (IST)Updated: Thu 01 Jan 2026 09:53 AM (IST)
ahmedabad-municipal-corporation-launches-interest-waiver-scheme-up-to-100-percent-relief-for-taxpayers-665864
HIGHLIGHTS
  • અમદાવાદ મનપા દ્વારા વ્યાજ માફી યોજના લાગૂ
  • અમદાવાદના કરદાતાઓ પર વ્યાજનું ભારણ ઘટશે
  • વર્ષ 2025-26ના બાકી પ્રોપર્ટી ટેક્સ માટે લાગુ પડશે

AMC Interest Waiver Scheme: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2026 ના પ્રારંભના ત્રણ મહિના માટે "વ્યાજ માફી યોજના" જાહેર કરવામાં આવી છે. બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત ઝડપી બને અને કરદાતાઓ પર વ્યાજનું ભારણ ઘટે તે હેતુ સાથે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

અમદાવાદના કરદાતાઓ માટે "વ્યાજ માફી યોજના"

અમદાવાદના મિલકતધારકો અને કરદાતાઓને જુના અને નવા ટેક્સ ફોર્મ્યુલા મુજબ પ્રોપર્ટી ટેક્સના વ્યાજમાં અલગ અલગ સ્લેબમાં માફી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રહેણાંક અને કોમર્શિયલ બંને પ્રકારની મિલકત માટે 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 દરમિયાન આ યોજના લાગુ રહેશે.

કોને-કેટલી વ્યાજ માફી મળશે?

નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક મિલકત માટે જાન્યુઆરી મહિનામાં 85 ટકા, ફેબ્રુઆરીમાં 80 ટકા અને માર્ચમાં 75 ટકા વ્યાજ માફી અપાશે. જ્યારે કોમર્શિયલ મિલકતોને જાન્યુઆરી મહિનામાં 65 ટકા, ફેબ્રુઆરીમાં 60 ટકા અને માર્ચમાં 50 ટકા વ્યાજ માફી મળશે. આ ઉપરાંત ચાલી અને ઝૂંપડપટ્ટીની મિલકતો માટે 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે.

100 ટકા સુધીની વ્યાજ માફી મળશે  

જુની ફોર્મ્યુલા મુજબ 1 જાન્યુઆરીથી 31 માર્ચ, 2026 સુધી રહેણાંક અને બિનરહેણાંક પ્રકારની મિલકત માટે 100 ટકા વ્યાજ માફી મળશે. આ વ્યાજ માફી યોજના 1 જાન્યુઆરી 2026 થી 31 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે, અને માત્ર વર્ષ 2025-26ના બાકી પ્રોપર્ટી ટેક્સ માટે લાગુ પડશે. જે કરદાતાઓનો મિલકત વેરો બાકી છે તેઓ આ સમયગાળા દરમિયાન વેરો ભરીને વ્યાજમાં નોંધપાત્ર રાહત મેળવી શકશે.