Paresh Goswami Rain Forecast: ગુજરાતમાં ચોમાસાના ચાર માસ પૈકી બે મહિના પૂર્ણ થવા આવ્યા છે, ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 54 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જો કે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક એવા ભાગો છે, જ્યાં મેઘરાજા રૂઠી ગયા હોય તેમ ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે.
ગઈકાલથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી ગઈ છે અને આકાશ મોટાભાગે ખુલ્લુ થઈ ગયું છે. જો કે આ સ્થિતિ લાંબાગાળા સુધી નહી રહે. હકીકતમાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનો નવો અને ધમાકેદાર રાઉન્ડ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો
30 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી સપ્તાહ લાંબો તોફાની વરસાદનો રાઉન્ડ
આ અંગે વિગતો આપતાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હાલ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ સિસ્ટમ ઓડિશા લેન્ડ થઈ ચૂકી છે. આ સિસ્ટમ મજબૂત ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈને અત્યારે પશ્ચિમ દિશામાં એટલે કે ગુજરાત તરફ આગળ વધી રહી છે. જે આગામી 30 જુલાઈની આસપાસ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી પૂરેપુરી શક્યતા છે.
આ મજબૂત ડીપ ડિપ્રેશનની અસરના કારણે 30 જુલાઈથી 5 ઓગસ્ટ સુધીના એક સપ્તાહ દરમિયાન ફરીથી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. આ રાઉન્ડમાં ગુજરાતના 80 થી 90 ટકા ભાગમાં ભારે વરસાદ પડી શકે છે.
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આ સિસ્ટમના ટ્રેકને જોતા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા અને છોટા ઉદેપુર ઉપરાંત ભરૂચ, નર્મદા, સુરત અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ એકંદરે સારો વરસાદ નોંધાઈ શકે છે. જો કે આ સિસ્ટમ જેમ-જેમ નજીક આવશે, તેમ-તેમ વરસાદની તીવ્રતા અને વિસ્તારનો ચોક્કસ અંદાજો આવશે.
