Paresh Goswami Ni Agahi: ગુજરાતમાં અરબી સમુદ્રની સિસ્ટમના કારણે દિવાળી પછી પણ ચોમાસામાં પડે તેવા કમોસમી વરસાદે ખેડૂતોની કમ્મર તોડી નાંખી હતી. જો કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં વધુ એક મોટી સિસ્ટમ બનવાની આગાહી કરી છે
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, ગત 10 નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીનો પ્રથમ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. જેના પગલે મહત્તમ અને લઘુતમ તાપમાન બન્નેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આગામી 18 અને 19 નવેમ્બરના રોજ થોડું તાપમાન ઉચકાઈ શકે છે. જેના કારણે ઠંડીમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે. આ નવેમ્બર મહિનામાં કોલ્ડ વેવનો કોઈ રાઉન્ડ નથી. એટલે કે, આ મહિનાના અંત સુધી ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા નથી.
બંગાળની ખાડીની સિસ્ટમથી ગુજરાતમાં ગભરાવવાની જરૂર નથી
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી 25 નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીની અંદર વધુ એક મોટી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે. જો કે તેની ગુજરાતમાં અસર થવાની કોઈ શક્યતા નથી. ગુજરાત સહિત મધ્ય ભારતમાંથી ચોમાસાની વિદાય થવા સાથે જ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે.
હાલ દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં ચોમાસું ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે તમિલનાડુ, કેરળ અને કર્ણાટક બાજુ આવી સિસ્ટમો આવતી રહેતી હોય છે અને ત્યાં વરસાદ પણ પડતા હોય છે. કેટલીક વખત આવી સિસ્ટમ સીધી ગુજરાત બાજુ પણ બતાવતી હોય છે. જો કે 25 નવેમ્બરે બની રહેલી સિસ્ટમ દક્ષિણ ગુજરાત તરફ આવે તેવી સંભાવના નથી. આથી ગુજરાતમાં માવઠાની કોઈ શક્યતા નથી.
