CA Graduation Ahmedabad:ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) અમદાવાદ દ્વારા આજે નવસ્નાતક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે ભવ્ય કન્વોકેશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી 600થી વધુ યુવા CAs અને તેમના પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સચિવ રોહન ગુપ્તા મુખ્ય અતિથિ તરીકે તથા ICAIના પૂર્વ પ્રમુખ CA અનિકેત સુનિલ તલાટી વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહને સંબોધતા ICAI અમદાવાદ બ્રાન્ચના ચેરમેન CA રિંકેશ શાહે તમામ નવસ્નાતક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તથા તેમના પરિવારજનોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે CAની ક્વોલિફિકેશન માત્ર જ્ઞાન અને વ્યાવસાયિક ક્ષમતાનું પ્રમાણપત્ર નથી, પરંતુ વિશ્વાસ, પ્રામાણિકતા અને જવાબદારીનું પ્રતિબિંબ છે. તેમણે યુવા CAsને ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આંતરરાષ્ટ્રીય કરવેરા, GIFT City, ઉદ્યોગસાહસિકતા અને વૈશ્વિક સલાહકાર સેવાઓ જેવા નવા ક્ષેત્રોમાં તકો અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
મુખ્ય અતિથિ રોહન ગુપ્તાએ યુવા વ્યાવસાયિકોને દેશની સૌથી પડકારજનક વ્યાવસાયિક લાયકાતોમાંની એક સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ બિરદાવ્યા હતા. તેમણે નાણાકીય અને આર્થિક ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં CAsની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે જણાવ્યું કે, ભારત ઝડપી આર્થિક પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે CAsની જવાબદારી વધુ વધી જાય છે.તેમણે યુવા CAsને તેમના વ્યાવસાયિક જ્ઞાનનો ઉપયોગ માત્ર વ્યક્તિગત વિકાસ માટે નહીં, પરંતુ રાષ્ટ્રનિર્માણ, પારદર્શિતા અને સુશાસન માટે કરવા આહ્વાન કર્યું હતું.
ICAIના પૂર્વ પ્રમુખ CA અનિકેત સુનિલ તલાટીએ પોતાના અનુભવના આધારે જણાવ્યું કે આ કન્વોકેશન તેમની સફરનો અંત નહીં પરંતુ વ્યાવસાયિક જીવનની એક નવી શરૂઆત છે. તેમણે આજીવન શિક્ષણ અને ઝડપથી બદલાતા વ્યાવસાયિક વાતાવરણ સાથે સતત અનુકૂલન સાધવા પર ભાર મૂક્યો હતો. ટેક્નોલોજી, ટેક્સેશન, ફાઇનાન્સ અને એડવાઇઝરી ક્ષેત્રે રહેલી વિશાળ તકો અંગે માર્ગદર્શન આપતાં તેમણે ઉમેર્યું કે CAની ક્વોલિફિકેશન સમાજના વિશ્વાસ સાથે જોડાયેલી છે.
