Ahmedabad: અવકાશમાં ગાજ્યું ગુજરાતનું નામ, રાજ્યના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ; ધોલેરાના બાવળીયાળીમાં 'ઓમસ્પેસે' રચ્યો ઈતિહાસ

અમદાવાદના સ્ટાર્ટઅપ ઓમ સ્પેસ દ્વારા આ રોકેટનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 15 Mar 2026 08:53 AM (IST)Updated: Sun, 15 Mar 2026 08:53 AM (IST)
omspace-successful-launch-gujarat-first-sounding-rocket-in-bavaliyari-dholera
HIGHLIGHTS
  • ગુજરાતમાં અવકાશ સંશોધનનો નવો યુગ
  • ધોલેરાથી પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું લોન્ચિંગ 
  • અમદાવાદના સ્ટાર્ટઅપ ઓમસ્પેસનો કમાલ

Om Space sounding rocket  Launch: ગુજરાતમાં 14 માર્ચ, 2026 ના દિવસથી અવકાશ સંશોધન ક્ષેત્રે નવો અધ્યાય શરૂ થયો છે. ધોલેરા નજીક આવેલા બાવળિયારી ખાતેથી રાજ્યના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક કારનામું અમદાવાદના સ્ટાર્ટઅપ "ઓમ સ્પેસ" દ્વારા કરવામાં આવ્યું છે.

રાજ્યના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ પ્રક્ષેપણ 

આ સિંગલ-સ્ટેજ સબ-ઓર્બિટલ સાઉન્ડિંગ રોકેટનું પ્રક્ષેપણ બપોરે 1 વાગ્યે બાવળીયાળીમાં તૈયાર કરાયેલા કામચલાઉ લોન્ચ પેડ પરથી કરવામાં આવ્યું હતું. આ રોકેટ આશરે 3 કિમીની ઊંચાઈ સુધી પહોંચ્યું હતું. પ્રક્ષેપણ દરમિયાન પ્રોપલ્શન, એવિઓનિક્સ અને ઓટોનોમસ રિકવરી સિસ્ટમનું પણ સફળ પરીક્ષણ કરાયું હતું.

અમદાવાદના 'ઓમ સ્પેસે' રચ્યો ઈતિહાસ

આ ઐતિહાસિક સિદ્ધિ અમદાવાદ સ્થિત ખાનગી સ્ટાર્ટઅપ 'ઓમ સ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન પ્રાઇવેટ લિમિટેડ' (OSRE) દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે, જે અમેરિકાના ઇલોન મસ્કની 'સ્પેસએક્સ' કંપનીના માર્ગે ચાલી રહી છે. રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા આ તકે ઉપસ્થિત રહ્યા હતા.

naidunia_image

નોંધનીય છે કે, 'મેક ઇન ઇન્ડિયા' અભિગમ હેઠળ આ રોકેટની એરફ્રેમ કાર્બન ફાઇબર અને અદ્યતન કમ્પોઝિટ મટીરિયલનો ઉપયોગ કરીને ઓમસ્પેસની અમદાવાદ સ્થિત લેબોરેટરીમાં જ સંપૂર્ણપણે સ્વદેશી રીતે તૈયાર કરવામાં આવી હતી. આ રોકેટમાં હવામાન સંબંધિત ડેટા એકત્રિત કરી શકે તેવું નાનું પ્રાયોગિક પેલોડ પણ રાખવામાં આવ્યું હતું. 

ભારતનું પ્રથમ સ્વદેશી રિયુઝેબલ લોન્ચ વ્હીકલ 'ઇન્ફિનિટી વન'

આ સફળ લોન્ચિંગથી ભારતના પ્રથમ સંપૂર્ણ સ્વદેશી રિયુઝેબલ લોન્ચ વ્હીકલ 'ઇન્ફિનિટી વન' ના વિકાસ માટેનો માર્ગ મોકળો થયો છે. કંપની દ્વારા બનાવાઈ રહેલા આ અત્યાધુનિક રોકેટની અનેક વિશેષતા છે.

રોકેટની ટેક્નિકલ ક્ષમતા અને વિશેષતા

  • ક્ષમતા: આ રોકેટ નેનો અને નાના સેટેલાઇટ્સને 800 કિમીની ઊંચાઈએ લોઅર અર્થ ઓર્બિટ (LEO) માં લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે.
  • પુનઃઉપયોગી ટેકનોલોજી: રોકેટનો પ્રથમ તબક્કો (ફર્સ્ટ સ્ટેજ) પુનઃઉપયોગી છે, જેને માત્ર 24 કલાકમાં ફરીથી લોન્ચ કરી શકાશે.
  • આધુનિક ટેકનોલોજી: આ રોકેટમાં 3D પ્રિન્ટેડ ભાગો, એડવાન્સ કમ્પોઝિટ મટિરિયલ અને લિક્વિડ ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરાયો છે.

આ મિશન IN-SPACe (ISRO) ની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI), ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને DGCA દ્વારા જરૂરી ટેક્નિકલ સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.

naidunia_image

આંતરરાષ્ટ્રીય જોડાણ અને 'મેક ઇન ઇન્ડિયા'

30 જૂન, 2020ના રોજ સ્થપાયેલું 'ઓમસ્પેસ' ભારત સરકારના DPIIT, MSME મંત્રાલય અને 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન દ્વારા માન્યતા પ્રાપ્ત છે. કંપનીએ રશિયાની 'સ્ટ્રેટોનોટિકા' સાથે પણ MOU સાઈન કર્યા છે, જેના હેઠળ 40 કિલો સુધીના પેલોડને 40 કિમીની ઊંચાઈએ (સ્ટ્રેટોસ્ફિયર) માત્ર 7 દિવસમાં લોન્ચ કરી શકાશે.

બાવળિયાળી માટે ઐતિહાસિક ક્ષણ

આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે મંત્રી અર્જુન મોઢવાડિયા, ધારાસભ્ય કાળુ ડાભી અને બાવળિયારી ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. બાવળિયારી જેવા ગ્રામ્ય વિસ્તારમાં આ હાઈ-ટેક ટેસ્ટિંગ યોજાતા સ્થાનિક સ્તરે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મંત્રીએ આશા વ્યક્ત કરી કે, આવા પ્રયોગો દેશની સ્પેસ ટેક્નોલોજીને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવશે અને રોજગારીની નવી સંભાવના ઊભી કરશે.