NRI Property Purchase New Rule 2026: બિન-નિવાસી ભારતીય (NRI) પાસેથી સ્થાવર મિલકત ખરીદનારા ભારતીય નાગરિકો અને હિન્દુ અવિભાજિત કુટુંબ માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી NRI વેચનાર પાસેથી મિલકત ખરીદવા પર ખરીદદારે અલગથી ટેક્સ ડિડક્શન એન્ડ કલેક્શન એકાઉન્ટ નંબર (TAN) લેવાની કોઈ જરૂર રહેશે નહીં. આ નવી વ્યવસ્થા આગામી 1 ઓક્ટોબરથી અમલમાં આવશે.
અગાઉ ભારતના નિવાસી પાસેથી મિલકત ખરીદનાર માટે ફોર્મ 141 અને NRI માટે ફોર્મ 144 ભરવું પડતું હતું. જોકે, હવે આ બંને ફોર્મને મર્જ કરી દેવાયા છે. CBDT દ્વારા સુધારેલું ફોર્મ 141 બહાર પાડવામાં આવ્યું છે, જેમાં NRI વેચનારને લગતી તમામ વિગતો ભરવા માટે ખાસ કોલમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફેરફારને કારણે મિલકત ખરીદ્યા બાદ ટીડીએસ (TDS) સંબંધિત પ્રક્રિયાઓ સરળ બની જશે.
હાલના નિયમ અનુસાર, રૂ. 50 લાખથી વધુની મિલકત ખરીદતી વખતે નિવાસી ભારતીય પાસેથી ખરીદી હોય તો 1 ટકા ટીડીએસ કાપવાનો રહે છે, જ્યારે NRI પાસેથી ખરીદી હોય તો 12.5 ટકાના દરે ટીડીએસ કાપવો પડે છે. આ પ્રક્રિયામાં અત્યાર સુધી અલગથી TAN લેવો, ટીડીએસ ચલણ ભરવું અને ફોર્મ 16 હેઠળ સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. નવી જોગવાઈ હેઠળ, હવે ખરીદદારે ટીડીએસ માટે અલગથી નોંધણી કરાવવી પડશે નહીં.
નવા નિયમ મુજબ, જો NRI વેચનાર પાસે પાન (PAN) કાર્ડ ન હોય, તો ખરીદદારે તેમના વિદેશી સંપર્ક નંબર, ઈ-મેઈલ આઈડી અને વિદેશનું રહેઠાણનું સરનામું ઈન્કમટેક્સ વિભાગને આપવું પડશે. આ ઉપરાંત, ઉંચા દરે ટીડીએસ કપાઈ ન જાય તે માટે વેચનારે જે-તે દેશનું 'ટેક્સ રેસિડેન્સી સર્ટિફિકેટ' અને 'ટેક્સ આઈડેન્ટિફિકેશન નંબર' રજૂ કરવો અનિવાર્ય રહેશે.
સુધારેલા ફોર્મ 141માં મિલકતનું સંપૂર્ણ સરનામું, તેનો પ્રકાર (ખેતી સિવાયની જમીન, મકાન કે બંને), ખરીદનાર અને વેચનારની વિગતો દર્શાવવી પડશે. જો મિલકતની ચૂકવણી હપ્તામાં કરવામાં આવતી હોય, તો એકનોલેજમેન્ટ નંબર સાથે તમામ માહિતી ફોર્મમાં દર્શાવવી પડશે. આ ઉપરાંત, મિલકતની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ અને વેચાણ કિંમત પણ સ્પષ્ટપણે દર્શાવવી પડશે. નોંધનીય છે કે જો મિલકતના ખરીદનાર એક કરતાં વધુ હોય, તો દરેક ખરીદદારે અલગ-અલગ ફોર્મ ભરવાનું રહેશે. આ નવા નિયમનો અમલ 1 ઓક્ટોબરથી અમલી બનશે.
