Ahmedabad News: અમદાવાદમાં એસઆઈઆર (SIR) ની પ્રક્રિયા દરમિયાન અંદાજે 9.15 લાખ મતદારોનું મેપિંગ ન થઈ શકતા તેમને 'અનમેપ્ડ' કેટેગરીમાં મૂકવામાં આવ્યા હતા. હવે આ મતદારોના નામ મતદાર યાદીમાં રાખવા કે કાઢી નાખવા તે અંગેની સુનાવણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નોટિસ મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલના તબક્કે 27 હજાર મતદારોને નોટિસ પાઠવવામાં આવી છે.
750થી વધુ અધિકારીઓ સુનાવણી કરશે
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ પ્રક્રિયાને સમયસર પૂર્ણ કરવા માટે 750થી વધુ અધિકારીઓની વિશેષ યાદી તૈયાર કરી છે. આ અધિકારીઓ મતદારોના વાંધા અને દાવાની સુનાવણી હાથ ધરશે. 19 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર કર્યા બાદ 31 ડિસેમ્બરથી સુનાવણીની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. તંત્રના લક્ષ્યાંક મુજબ દરરોજ સરેરાશ 62 હજાર મતદારોની સુનાવણી કરવામાં આવશે.
કયા વિસ્તારમાં સૌથી વધુ નોટિસ?
અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ એમ બંને વિસ્તારોમાં મોટી સંખ્યામાં મતદારો અનમેપ્ડ છે. જે વિસ્તારોમાં સૌથી વધુ નોટિસ મોકલાશે તેમાં:
- વટવા: 1.37 લાખ મતદારો
- ઘાટલોડિયા: 1.22 લાખ મતદારો
- વેજલપુર: 1.09 લાખ મતદારો
- દાણીલીમડા: 80 હજાર મતદારો
- અમરાઈવાડી: 72 હજાર મતદારો
19 જાન્યુઆરી સુધીનો મર્યાદિત સમય
મતદારો પાસે પોતાના વાંધા કે પુરાવા રજૂ કરવા માટે માત્ર 15 દિવસનો સમય છે. 19 જાન્યુઆરી સુધીમાં મતદારોએ પોતાની અરજી રજૂ કરવાની રહેશે. બીએલઓ (BLO) મારફતે મતદારોને નોટિસ પહોંચાડવામાં આવી રહી છે, જેમાં સુનાવણી માટેનું સ્થળ, સમય અને અધિકારીનું નામ સ્પષ્ટ લખેલું હશે. જે લોકોના વાંધા માન્ય નહીં રહે, તેમને બીએલઓ દ્વારા જાણ કરવામાં આવશે અને તેમના નામ મતદાર યાદીમાંથી કમી થઈ શકે છે.
મતદારોએ શું કરવાનું રહેશે?
નોટિસ મળ્યા બાદ મતદારે નિર્ધારિત સમયે સંબંધિત અધિકારી સમક્ષ હાજર રહીને રહેઠાણના પુરાવા કે જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. ડ્રાફ્ટ મતદારયાદી જાહેર થયાના 12 દિવસ પછી નોટિસની પ્રક્રિયા શરૂ થતા હવે ચૂંટણી તંત્ર યુદ્ધના ધોરણે મેપિંગ પૂર્ણ કરવા માંગે છે.
