Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના રોડ-રસ્તાના આયોજનમાં ધરખમ ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ રસ્તાઓની ગુણવત્તા જાળવવા અને વારંવાર થતા ખોદકામને અટકાવવા માટે નવી કાર્યપદ્ધતિ અમલમાં મૂકી છે. આ નવી SOP મુજબ, હવેથી રોડ બનાવતા પહેલા તમામ ઉપયોગી સેવાઓનું આગોતરું આયોજન કરવું ફરજિયાત બનશે.
સર્વિસ લાઈનો માટે ફૂટપાથનો ઉપયોગ
નવી SOPની સૌથી મહત્વની જોગવાઈ એ છે કે, ભવિષ્યમાં નાખવાની થતી પાણી, ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર અથવા અન્ય સર્વિસ લાઈનો હવે રસ્તાની વચ્ચે નહીં, પરંતુ મહદઅંશે ફૂટપાથની નીચે નાખવાની રહેશે. આ આયોજન પાછળનો મુખ્ય હેતુ એ છે કે જો ભવિષ્યમાં લાઈનમાં કોઈ ખામી સર્જાય અથવા નવી લાઈન નાખવાની થાય, તો આખો રસ્તો ખોદવાને બદલે માત્ર ફૂટપાથના ભાગમાં કામ કરીને રિપેરિંગ કરી શકાય. આનાથી પાકા રસ્તાની આવરદા વધશે અને ટ્રાફિકની સમસ્યામાં પણ ઘટાડો થશે.
કેબલ માટે યુટિલિટી ડક્ટ ફરજિયાત
કમિશનરે સૂચના આપી છે કે 36 મીટરથી વધુ પહોળાઈ ધરાવતા તમામ ટીપી (TP) રસ્તાઓ પર કેબલ નાખવા માટે ખાસ ‘યુટિલિટી ડક્ટ’ રાખવાની રહેશે. વિવિધ ખાનગી કંપનીઓ કે એજન્સીઓ જ્યારે કેબલ નાખવાની મંજૂરી માંગશે, ત્યારે તેમને આ ડક્ટનો ઉપયોગ કરવા દેવાશે અને તે બદલ નિયમ મુજબ ચાર્જ વસૂલવામાં આવશે. આનાથી રસ્તાની સપાટીને નુકસાન પહોંચાડ્યા વગર વાયરિંગ અને કેબલિંગનું કામ થઈ શકશે.
ઝડપી ટેન્ડરિંગ અને ક્વોલિટી કંટ્રોલ
રસ્તાના કામોમાં વિલંબ ટાળવા માટે અંદાજો ઝડપથી તૈયાર કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે. નવા રોડ કે રિસરફેસિંગના કામ પહેલાં હયાત લાઈનોનું ‘કન્ડીશનલ એસેસમેન્ટ’ (સ્થિતિની ચકાસણી) કરવું પણ અનિવાર્ય કરાયું છે. રોડની ક્રસ્ટ ડિઝાઈન (મજબૂતીનું સ્તર) વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે જેથી વરસાદી મોસમમાં પણ રસ્તાઓ સુરક્ષિત રહે.
એકસૂત્રતા અને તાત્કાલિક અમલ
શહેરના તમામ સાતેય ઝોનમાં રસ્તાની કામગીરીમાં એકસૂત્રતા જળવાય તે માટે આ SOPનો તાત્કાલિક અસરથી અમલ કરવાના આદેશ અપાયા છે. આ નવી પદ્ધતિથી અમદાવાદના માર્ગો વધુ મજબૂત, ટકાઉ અને સુવિધાસભર બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
