અમદાવાદ: નિકોલમાં ફોર્ચ્યુનરચાલકે ફૂટપાથ પર સૂતેલા લોકોને અડફેટે લીધા; એક મહિલાનું મોત, 2 ઈજાગ્રસ્ત

એક ફોર્ચ્યુનર કારના ચાલકે રોડ પર તેમજ ફૂટપાથ પર સૂતેલા કેટલાક લોકોને અડફેટે લીધા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 02 Nov 2026 10:50 PM (IST)Updated: Mon, 02 Nov 2026 11:57 PM (IST)
nikol-fortuner-car-accident-woman-dies-two-injured-ahmedabad-hit-and-run

Ahmedabad Accident News: અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં દેવસ્ય સ્કૂલ પાસે અને શેલબી હોસ્પિટલથી નિકોલ ડી-માર્ટ તરફ જવાના રોડ પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ફોર્ચ્યુનર કારના ચાલકે બેફામ સ્પીડે કાર ચલાવી રોડ પર વેપાર કરતા કેટલાક લોકો તેમજ ફૂટપાથ પર સૂતેલા લોકોને અડફેટે લીધા હતા.

અકસ્માત સર્જાતા જ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને બેફામ કાર ચલાવનાર વિરુદ્ધ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. ઘટના અંગે પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમને જાણ કરવામાં આવતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને ઈજાગ્રસ્ત ત્રણ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

લોકોએ કારચાલકને ઝડપી મેથીપાક ચખાડ્યો અને બાદમાં પોલીસને હવાલે કર્યો હતો. કારમાંથી એક બિયરનું ટીન મળતા ચાલકે નશો કર્યો છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી છે. કારચાલકની ઓખળ 36 વર્ષીયવિરલ સવજીભાઈ ચૌધરી તરીકે થઈ છે અને કાર પણ તેના જ નામે રજિસ્ટર્ડ થયેલી છે. કારના ચાલકને પોલીસે અટકમાં લઈ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ચાલકે નશો કર્યો હતો કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના અધિકારીએ અકસ્માત અંગે માહિતી આપતા જણાવ્યું કે, આ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારની અડફેટે ચડેલા ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાંથી સારવાર દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે 2 લોકોની હાલતમાં ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.