અમદાવાદમાં ઓલિમ્પિક વિલેજ તરફ બનશે નવો 'VIP રોડ', ઔડા અને AMC 80 કરોડના ખર્ચે 5.8 કિમીના રસ્તાની કરશે કાયાપલટ

આ રસ્તો કાર્યરત થયા બાદ પશ્ચિમ અમદાવાદના ઝડપથી વિકસતા વિસ્તારો જેવા કે શેલા, ઘુમા, ગોધાવી, સાઉથ બોપલ અને મણિપુરના હજારો રહીશોને કનેક્ટિવિટીમાં મોટી રાહત મળશે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 03 Jan 2026 09:26 AM (IST)Updated: Sat 03 Jan 2026 09:26 AM (IST)
new-vip-road-will-be-built-towards-olympic-village-in-ahmedabad-auda-and-amc-will-transform-6-km-road-at-a-cost-of-80-crores-667150

Ahmedabad News: ભવિષ્યમાં અમદાવાદમાં યોજાનારા સંભવિત ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને શહેરના પશ્ચિમ છેવાડાના વિસ્તારોમાં આધુનિક કનેક્ટિવિટી પૂરી પાડવા માટે ઔડા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુમતપુરાથી સંસ્કારધામ સુધીના 5.8 કિલોમીટર લાંબા રસ્તાને હવે ‘વીઆઈપી રોડ’ તરીકે વિકસાવવામાં આવશે. આ રોડને ભવિષ્યમાં ઓલિમ્પિક વિલેજ સુધી લંબાવવાનું આયોજન છે, જે શહેરની શાનમાં વધારો કરશે.

સામાન્ય રોડ કરતાં કેવી રીતે અલગ હશે વીઆઈપી રોડ?

વીઆઈપી રોડ માત્ર વાહનોની અવરજવર માટે જ નહીં, પરંતુ નાગરિકોની સુવિધા માટે પણ ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે:

  • વધારે પહોળાઈ: સામાન્ય રસ્તાની પહોળાઈ 36 મીટર હોય છે, જ્યારે આ વીઆઈપી રોડ 45 મીટર પહોળો હશે.
  • સ્પેશિયલ ટ્રેક: લોકોને ચાલવા માટે અલગ વોકિંગ ટ્રેક અને સાયકલિંગ ટ્રેકની સુવિધા આપવામાં આવશે.
  • સુશોભન: રસ્તાની બંને બાજુએ એકસરખી ડિઝાઇન અને ટ્રીમ કરેલા વૃક્ષો ઉગાડવામાં આવશે, જે રસ્તાને વૈશ્વિક સ્તરનો લુક આપશે.
  • અન્ય સુવિધાઓ: રસ્તાની વચ્ચે કે બાજુમાં બેસવા માટે નાના ગાર્ડન અને વ્યવસ્થિત કાર પાર્કિંગ માટે અલગ જગ્યા ફાળવવામાં આવશે.

80 કરોડના ખર્ચે દોઢ વર્ષમાં કામ પૂર્ણ થશે

આ પ્રોજેક્ટ માટે અંદાજિત 80 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ઔડા દ્વારા સંબંધિત એજન્સીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને આગામી દોઢ વર્ષમાં આ કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ રસ્તાના કુલ 5.8 કિમીના અંતરમાંથી 2500 મીટરનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને 3300 મીટરનું કામ ઔડા (AUDA) દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવશે.

આ વિસ્તારોના રહીશોને થશે સીધો ફાયદો

આ રસ્તો કાર્યરત થયા બાદ પશ્ચિમ અમદાવાદના ઝડપથી વિકસતા વિસ્તારો જેવા કે શેલા, ઘુમા, ગોધાવી, સાઉથ બોપલ અને મણિપુરના હજારો રહીશોને કનેક્ટિવિટીમાં મોટી રાહત મળશે. ટ્રાફિકની સમસ્યા ઘટવાની સાથે આ વિસ્તારોના રિયલ એસ્ટેટ માર્કેટમાં પણ તેજી આવવાની શક્યતા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડાના ઇજનેર ખાતા દ્વારા સર્વે સહિતની તમામ પ્રાથમિક કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. ઓલિમ્પિક વિલેજને જોડતો આ રસ્તો અમદાવાદના આધુનિક વિકાસનું નવું ઉદાહરણ બનશે.