Sabarmati Varanasi Express: ગુજરાતમાં વસતા પૂર્વાંચલના લોકો અને ધાર્મિક પ્રવાસે જતા મુસાફરો માટે ખુશીના સમાચાર આવ્યા છે. રેલવે બોર્ડે અમદાવાદના સાબરમતી અને વારાણસી વચ્ચે નવી દૈનિક (Daily) ટ્રેન સેવા ‘સાબરમતી-વારાણસી એક્સપ્રેસ’ શરૂ કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે. આ નવી ટ્રેન શરૂ થવાથી ગુજરાત અને પૂર્વ ઉત્તર પ્રદેશ વચ્ચે રેલ વ્યવહાર વધુ સુગમ અને ઝડપી બનશે.
સમયપત્રક અને મુસાફરીનો સમય
પ્રસ્તાવિત ટાઇમટેબલ મુજબ, આ ટ્રેન બંને દિશામાં દરરોજ દોડાવવામાં આવશે.
વારાણસી થી સાબરમતી (ટ્રેન નં. 12206)
આ ટ્રેન વારાણસીથી સાંજે 5:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 8:15 વાગ્યે સાબરમતી પહોંચશે. આ સમગ્ર મુસાફરી પૂર્ણ કરવામાં ટ્રેનને આશરે 26 કલાક અને 45 મિનિટનો સમય લાગશે.
સાબરમતી થી વારાણસી (ટ્રેન નં. 12205)
વળતા પ્રવાસમાં, આ ટ્રેન સાબરમતીથી સવારે 5:20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 6:30 વાગ્યે વારાણસી પહોંચશે. આ દિશામાં મુસાફરી માટે અંદાજે 25 કલાક અને 10 મિનિટનો સમય લાગશે.
હાલની ટ્રેનો કરતાં શું અલગ છે?
હાલમાં અમદાવાદ અને વારાણસી વચ્ચે સૌથી ઝડપી ગણાતી 22586 અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ આશરે 23 કલાકમાં અંતર કાપે છે, પરંતુ તે સપ્તાહમાં માત્ર એક જ દિવસ (Weekly) ચાલે છે. જ્યારે આ નવી 'સાબરમતી-વારાણસી એક્સપ્રેસ' દરરોજ ચાલશે. જોકે, દૈનિક ધોરણે શરૂ થઈ રહેલી આ ટ્રેનનો મુસાફરી સમય થોડો વધુ છે, પરંતુ ભવિષ્યમાં તેની સ્પીડ વધારીને સમય ઘટાડવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
મુખ્ય સ્ટોપેજ
આ નવી ડેઇલી ટ્રેન ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના અનેક મહત્વના શહેરો અને જંકશનોને આવરી લેશે. તેના મુખ્ય સ્ટોપેજ નીચે મુજબ રહેશે:
ઉત્તર પ્રદેશ: મિર્ઝાપુર, સુબેદારગંજ, ગોવિંદપુરી, ટુંડલા જંકશન, ઇદગાહ આગ્રા જંકશન.
રાજસ્થાન: ભરતપુર, નદબઈ, ખેરલી, મંદાવર મહવા રોડ, બાંદીકુઈ, ગાંદીનગર જયપુર, જયપુર, કિશનગઢ, અજમેર, બ્યાવર, ફાલના, આબુ રોડ.
ગુજરાત: પાલનપુર, મહેસાણા અને સાબરમતી.
પ્રસ્તાવિત વિગતો અનુસાર, આ ટ્રેન બાંદીકુઈ સવારે 8:23 વાગ્યે પહોંચી 8:25 વાગ્યે ઉપડશે, જ્યારે સાંજે 5:50 વાગ્યે પાલનપુર પહોંચી 2 મિનિટના હોલ્ટ બાદ રાત્રે 8:15 વાગ્યે આખરી સ્ટેશન સાબરમતી પહોંચશે.
આધુનિક LHB રેક અને સુવિધાઓ
આ ટ્રેન આધુનિક અને સુરક્ષિત 3 LHB (Linke-Hofmann-Busch) રેક સાથે દોડાવવામાં આવશે.
ટ્રેનનું પ્રાથમિક મેન્ટેનન્સ (Primary Maintenance) વારાણસી ખાતે કરવામાં આવશે.
મુસાફરોની સુવિધા માટે ટ્રેનમાં પાણી ભરવા (Watering Station) માટે જયપુર સ્ટેશનને નિયુક્ત કરવામાં આવ્યું છે.
શરૂઆત ક્યારે થશે?
રેલવે બોર્ડે સંબંધિત રેલવે ઝોનને શક્ય તેટલી વહેલી તકે આ ટ્રેન સેવા શરૂ કરવા અને તેનો વ્યાપક પ્રચાર કરવાનો નિર્દેશ આપ્યો છે. નિયમિત સેવા શરૂ થાય તે પહેલાં આ ટ્રેનનો એક ઈનાગ્યુરલ રન પણ યોજાઈ શકે છે.
