નવરાત્રિ 2026: અમદાવાદમાં ગરબા આયોજકો માટે AMC અને ફાયર બ્રિગેડની કડક ગાઈડલાઈન જાહેર

અમદાવાદમાં નવરાત્રિ ગરબા આયોજન માટે AMC અને ફાયર વિભાગે કડક ગાઈડલાઈન જાહેર કરી છે. આયોજકો માટે ₹300 ના સ્ટેમ્પ પેપર પર બાંહેધરી અને NOC ના મુખ્ય નિયમો જાણો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 08 Oct 2026 08:06 AM (IST)Updated: Thu, 08 Oct 2026 08:06 AM (IST)
navratri-2026-ahmedabad-garba-organizer-fire-safety-rules-amc-noc-guidelines

Ahmedabad Garba Guidelines: નવદુર્ગાની આરાધનાનો પાવન પર્વ એટલે કે, નવરાત્રિ આવી રહ્યો છે. સમગ્ર ગુજરાત સહિત અમદાવાદમાં ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓ થનગની રહ્યા છે. નવરાત્રિના નવ દિવસો સુધી ગરબે ઘૂમીને ખેલૈયાઓ આદીશક્તિના સ્વરુપોની ભક્તિ અને આરાધના કરવાના છે. ત્યારે ખાસ કરીને અમદાવાદ શહેરમા ગરબા આયોજકો દ્વારા મોટા મોટા ગરબાઓનું આયોજન કરાતું હોય છે. આ ગરબાઓમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટશે. ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાને અમદાવાદ મહાનગરપાલિકા અને ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા કડક ગાઈડલાઈન જાહેર કરાઈ છે.

300ના સ્ટેમ્પ પર બાંહેધરી લેવાશે

મનપા અને ફાયર ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈનનું તમામ ગરબા આયોજકો સખતાઈથી અને કડકાઈથી પાલન કરે તે હેતુથી તેમની પાસેથી રુ.300ના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ લઈને બાંહધરી લેવામાં આવશે. ફાયર સંબંધિત ગાઈડલાઈનનું કડકાઈથી પાલન થાય છે. તે અંગેની સઘન ચકાસણી ફાયર બ્રિગેડની ટીમો દ્વારા કરાશે, તેની સાથે સાથે ગરબા પંડાલમાં એન્ટ્રી, ઇમરજન્સી એન્ટ્રી, ઇલેક્ટ્રિક સ્ટાફની હાજરી ફરજિયાત છે. તેવો ગાઈડલાઈનમાં ઉલ્લેખ છે.

આ વર્ષે ગરબા આયોજનમાં મોટો ઉછાળો

આ વર્ષે અમદાવાદમાં 3 એસી ડોમ સહિત કુલ 60 સ્થળોએ ગરબા યોજાયા હતા. આ વર્ષે 6 એસી ડોમ સહિત 100થી વધારે સ્થળોએ મોટા પાયે રાસ ગરબાનું આયોજન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 35 ગરબા આયોજકોએ NOC માટે અરજી કરી છે. પરંતુ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર સરપ્રાઈઝ ચેકિંગ પૂર્ણ કરીને સંપૂર્ણ સેફ્ટી સુનિશ્ચિત કર્યા બાદ જ NOC અપાશે.

ફાયર સેફ્ટી અને NOC માટેના મુખ્ય નિયમો

  • ક્ષમતા અને વ્યવસ્થા: ગરબા પંડાલમાં પ્રતિ વ્યક્તિ 1 ચોરસ મીટર જગ્યા ફાળવવી અને અંદર કોઈ ફિક્સ પાર્ટિશન ન રાખવું. ભીડના નિયંત્રણ અને સૂચનાઓ માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને ઓટો ગ્લો સાઈન બોર્ડ રાખવા ફરજિયાત છે.
  • સ્થળ અને મંડપનું આયોજન: ગરબા મંડપ શાળા, હોસ્પિટલ, હાઇટેન્શન લાઇન કે જ્વલનશીલ ગોડાઉનથી સુરક્ષિત અંતરે હોવો જોઈએ. વિરુદ્ધ દિશામાં 5.5 મીટર પહોળાઈના ઓછામાં ઓછા 2 ઇમરજન્સી એક્ઝિટ અને 15 મીટરથી ઓછો એક્ઝિટ રસ્તો રાખવો અનિવાર્ય છે. આ ઉપરાંત દર 10 બેઠક વચ્ચે 1.5 મીટરનો પેસેજ છોડવો અનિવાર્ય છે.
  • જ્વલનશીલ પદાર્થોની સુરક્ષા: સ્ટેજ નજીક કે નીચે કોઈ પણ જ્વલનશીલ સામગ્રી રાખી શકાશે નહીં. રસોઈ, એલપીજી સિલિન્ડર અને ડીઝલ જનરેટરને મંડપથી 15 મીટર દૂર રાખવા પડશે, હવનકુંડ પર 6 સેમીની સીઆઈ કે જીઆઈ શીટ અને મૂર્તિ કે દીવા નીચે રેતીનું બેઝ રાખવું જરૂરી છે.
  • ફાયર સેફ્ટી અને સ્ટાફ: મંડપના પડદા અને કાર્પેટ ફાયર રિટાર્ડન્ટ (અગ્નિરોધક) હોવા જોઈએ. દર 100 ચોરસ મીટરના વિસ્તારમાં 6 કિલો અને 4.5 કિલોના 2-2 ફાયર એક્સટિંગ્યુશર તેમજ પાણી અને રેતીની ડોલ રાખવી પડશે. સાથે જ સ્થળ પર 24 કલાક તાલીમબદ્ધ સ્વયંસેવકો હાજર રાખવા પડશે.
  • NOC પ્રક્રિયા: ગરબા આયોજકોએ ગરબાના 3 દિવસ પહેલા અરજી કરી હાર્ડકોપી જમા કરાવી NOC મેળવવાનું રહેશે.
  • ઈલેક્ટ્રિકલ સેફ્ટી: તમામ ઇલેક્ટ્રિકલ વાયરિંગ માન્ય એન્જિનિયર પાસે જ કરાવવાનું રહેશે. લાઈટ બલ્બને શણગારની સામગ્રીથી ઓછામાં ઓછા 15 સે.મી. દૂર રાખવાના રહેશે.