Ahmedabad News: અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ઓલિમ્પિક 2036ની તૈયારીઓ પૂરજોશમાં છે. જેને લઇને મનપા તંત્ર અને વિવિધ વિભાગો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરીઓ હાથ ધરાઈ રહી છે. આ કામગીરીના ભાગરુપે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ની 312મી બોર્ડ બેઠક ગઈ કાલે એટલે કે, 6 ઓક્ટોબર 2026ના રોજ યોજાઈ હતી.
એગ્રીકલ્ચર ઝોનમાંથી રહેણાંક ઝોન-1 માં રૂપાંતર
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેર કોમનવેલ્થ અને ઓલિમ્પિકનું યજમાન શહેર છે. ત્યારે અમદાવાદ શહેર અને તેની સાથે સંલગ્ન સેટેલાઈટ વિસ્તારોના સર્વાંગી વિકાસને વધુ ગતિ આપવાના હેતુથી બેઠકમાં અતિ મહત્વના નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે.
ઓડાના સીઇઓ મીરાંત પરીખના જણાવ્યા પ્રમાણે, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ 1976ની કલમ 19 હેઠળ મોટેરાના સર્વે નંબર 282ની 20 હજાર ચોરસ મીટરથી વધારે ખેતીની જમીનને રહેણાંક ઝોન 1માં ફેરવવા માટે સર્વાનુમતે મંજૂરી આપી દેવાઈ છે. આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય સ્તરના સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટે જરુરી બાંધકામની મંજૂરીઓ મળવાનો માર્ગ સુગમ બનશે.
ઈન્ટરનેશનલ લેવલનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્ર્કચર
વર્ષ 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036ની ઓલિમ્પિક રમતોત્સવની યજમાની કરવા માટે અમદાવાદ શહેર સંપૂર્ણ પણે સુસજ્જ બની રહ્યું છે. આ વૈશ્વિક રમત ગમત મહોત્સવોને ધ્યાને લઈને શહેર અને તેની આસપાસના સેટેલાઈટ વિસ્તારોમાં ઈન્ટરનેશનલ લેવલનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્ર્કચર નિર્માણ કરાશે.
રમતવીરો માટે આધુનિક સુવિધા
ગુજરાત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિમિટડ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એનક્લેવનું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં મનપા, રિવરફ્રન્ટ અને સરકારી જમીનને આવરવામાં આવી છે. ઔડાના આ નિર્ણયથી સ્પોર્ટ્સ એનક્લેવ ખાતે રમતવીરો માટે વધારે આધુનિક સુવિધાઓનું નિર્માણ કરવાનો માર્ગ મોકળો બનશે
