Mumbai-Ahmedabad Bullet Train: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરને નિરંતર અને અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સમગ્ર કોરિડોરમાં 14 ટ્રેક્શન સબસ્ટેશન સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. ટ્રેક્શન સબસ્ટેશન (TSS) હાઈ-સ્પીડ રેલની વીજ પુરવઠા પ્રણાલીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ ગ્રીડમાંથી વીજળી મેળવીને તેને જરૂરી વોલ્ટેજ સ્તરમાં રૂપાંતરિત કરે છે અને ટ્રેક્શન પાવર સિસ્ટમને સપ્લાય કરે છે, જેનાથી બુલેટ ટ્રેનનું સંચાલન શક્ય બને છે.

આ પણ વાંચો
14 ટ્રેક્શન સબસ્ટેશન સ્થાપિત કરાશે
508 કિલોમીટર લાંબા આ કોરિડોર માટે નક્કી કરેલા સ્થળો પર 14 ટ્રેક્શન સબસ્ટેશન સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. પાંચ ટ્રેક્શન સબસ્ટેશન મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે, વિરાર, બોઇસર અને થાણે ડેપોમાં આવેલા છે, જ્યારે નવ ગુજરાતમાં વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, મહેમદાવાદ, અમદાવાદ અને સાબરમતી ડેપોમાં આવેલા છે. ગુજરાતના નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે પ્રથમ ટ્રેક્શન સ્ટેશનનું નિર્માણ અંતિમ તબક્કે છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ પ્રગતિમાં
લગભગ 18,00 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ સબસ્ટેશનમાં પાવર ટ્રાન્સમિશન સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ ઝડપથી આગળ વધી રહ્યું છે. અહીં ઉપકરણોના ઈન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ સંબંધિત કામગીરી પ્રગતિમાં છે. કંટ્રોલ પેનલ, ચેન્જઓવર સ્વિચ, ટ્રાન્સફોર્મર અને સર્કિટ બ્રેકર બિલ્ડિંગમાં ઉપકરણોનું ઇન્સ્ટોલેશન કાર્ય પૂર્ણ થઈ ગયું છે. તમામ ગેન્ટ્રી ટાવર અને બીમ ઇન્સ્ટોલેશનનું કામ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.

કંટ્રોલ સેન્ટરથી રિયલ-ટાઇમ મોનિટરિંગ
ગુજરાતમાં આવેલા ટ્રેક્શન સબસ્ટેશનોને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) ના 220 kV અંબેથા ગ્રીડ સબસ્ટેશનમાંથી વીજળી મળશે. આ પછી, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં અપનાવવામાં આવેલી અદ્યતન 2 × 25 kV ટ્રેક્શન પાવર સપ્લાય સિસ્ટમ દ્વારા વાયાડક્ટ પર લગાવેલા ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) ને વીજળી પૂરી પાડવામાં આવશે. ટ્રેક્શન પાવર સપ્લાય નેટવર્કનું સેન્ટ્રલાઇઝ્ડ કંટ્રોલ સેન્ટરથી સતત રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવશે.
