India First Bullet Train B28: દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન ક્યારે શરૂ થશે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ બુલેટ ટ્રેન કોરિડોર પર દોડનારી સ્વદેશી B28 બુલેટ ટ્રેનનું માળખું અને સુવિધાઓ સામે આવ્યા છે. ભારતીય રેલવેના જણાવ્યા અનુસાર આ ટ્રેનમાં 8 કોચ અને 616 મુસાફરોની ક્ષમતા હશે.
કેવી હશે સ્વદેશી B28 બુલેટ ટ્રેન?
છેલ્લા ઘણા સમયથી દેશના નાગરિકો ભારતમાં પ્રથમ બુલેટ ટ્રેન ક્યારે શરૂ થશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બેંગલુરુમાં ભારત અર્થ મુવર્સ લિમિટેડ (BEML) દ્વારા દેશની પ્રથમ સ્વદેશી B28 બુલેટ ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે. BEML દ્વારા તૈયાર થઈ રહેલી આ 8 કોચની B28 ટ્રેનમાં કુલ 616 મુસાફરો બેસી શકે તેવી સુચારુ બેઠક વ્યવસ્થા કરાઈ છે.
આ ટ્રેનમાં 7 કોચ સ્ટાન્ડર્ડ ક્લાસના અને 1 કોચ એક્ઝિક્યુટિવ ક્લાસનો રહેશે. એક્ઝિક્યુટિવ કોચમાં 2-2 બેઠક વ્યવસ્થા, આરામદાયક સીટ, પગ ફેલાવવા માટે વધુ જગ્યા, મોટી બારીઓ અને મુસાફરોને સામાન રાખવા માટે ઉપર મોટી રેક મળશે.
સ્પીડ, ટ્રાયલ અને રૂટનું આયોજન
બુલેટ ટ્રેનની ઝડપ, નિર્ધારિત ટ્રાયલ અને રૂટના તબક્કાવાર અમલીકરણ અંગે રેલવે દ્વારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેનની ડિઝાઈન ઝડપ 280 કિમી પ્રતિ કલાકની છે, પરંતુ તેને 249 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવવાનું આયોજન છે. વર્ષની શરૂઆતમાં એક-બે પખવાડિયામાં જ બુલેટ ટ્રેનના પ્રોટોટાઈપનું ટ્રાયલ શરૂ કરવા રેલવેનું આયોજન છે. ત્યારબાદ આગામી 2027 ના પ્રથમ ત્રણ માસમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોરમાં બે પ્રોટોટાઇપ ટ્રાયલ રૂપે દોડાવવામાં આવશે.
અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ બુલેટ ટ્રેન કોરિડોરમાં વાપીથી સુરત વચ્ચે પ્રથમ તબક્કામાં ટ્રેન શરૂ થવા જઈ રહી છે. ટ્રાયલની સફળતા મળ્યા બાદ સુરત-વાપી વચ્ચેના 100 કિમી રૂટમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડતી કરાશે. સુરત-વાપી તબક્કા બાદ 2030 સુધીમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે સંપૂર્ણ રૂટ પર બુલેટ ટ્રેન શરૂ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
પ્રોજેક્ટ ખર્ચ અને ભવિષ્યની યોજના
BEML કંપની આ પ્રકારની કુલ 47 ટ્રેન બનાવીને દેશમાં કાર્યરત કરશે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધીમાં બે લાખ કરોડથી વધુ ખર્ચ થઈ ચૂક્યો છે. દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં BEML દ્વારા 350 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે તેવી B35 ટ્રેન પણ વિકસાવવામાં આવશે.
