Gujarat Monsoon 2023: હવામાન વિભાગ દ્વારા આજથી ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 33 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં ત્રણ ઇંચ જ્યારે છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે.
આજે આ જિલ્લાઓમાં સવારથી મેઘ મહેર
આજે વહેલી સવારથી અમરેલી, છોટા ઉદેપુર, ડાંગ, ગીર સોમનાથ,જૂનાગઢ, કચ્છ, નવસારી, પંચમહાલ, તાપી, વડોદરા અને વલસાડમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે.
આજે સવારે 10 વાગ્યા સુધીમાં અહીં સૌથી વધુ વરસાદ
આજે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 33 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જાંબુઘોડામાં 3.1, પાવી જેતપુરમાં 2.4 અને છોટા ઉદેપુરમાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો છે.
| જિલ્લો | તાલુકો | વરસાદ(મિ.મી.) |
| પંચમહાલ | જાંબુઘોડા | 80 |
| છોટા ઉદેપુર | પાવી જેતપુર | 61 |
| છોટા ઉદેપુર | છોટા ઉદેપુર | 55 |
| છોટા ઉદેપુર | કવાંટ | 29 |
| છોટા ઉદેપુર | બોડેલી | 25 |
| વડોદરા | વાઘોડિયા | 12 |
| ગીર સોમનાથ | કોડીનાર | 11 |
આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે 17 જુલાઈએ દાહોદ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે. પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ અને મહિસાગરમાં મધ્યમ વરસાદ વરસી શકે છે.
ગત 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ
ગત 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં 6 તાલુકામાં 2થી 3 ઇંચ તો 19 તાલુકામાં 1થી 2 ઇંચ જ્યારે 91 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ વરસ્યો હતો. ગઇકાલે સૌથી વધુ વરસાદ વડોદરાના ડભોઇમાં અને દાહોદના લીમખેડામાં પોણા ત્રણ ઇંચ તેમજ દાહોદમાં 2.6 અને સંખેડામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
ગત 24 કલાકમાં આ તાલુકામાં નોંધાયો સૌથી વધુ વરસાદ
| જિલ્લો | તાલુકો | વરસાદ(ઇંચમાં) |
| વડોદરા | ડભોઇ | 2.7 |
| દાહોદ | લીમખેડા | 2.7 |
| દાહોદ | દાહોદ | 2.6 |
| છોટા ઉદેપુર | સંખેડા | 2.5 |
| અમદાવાદ | ધોલેરા | 2.1 |
| પંચમહાલ | જાંબુઘોડા | 2.0 |
| ખેડા | કઠલાલ | 1.8 |
| દાહોદ | ગરબાડા | 1.8 |
| ભરૂચ | વાગરા | 1.7 |
| છોટા ઉદેપુર | બોડેલી | 1.7 |
