Ahmedabad Metro Phase 3: અમદાવાદમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ વ્યાપક અને અત્યાધુનિક બનાવવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા હવે મેટ્રો ફેઝ-3ની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. GMRC દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-3 અંતર્ગત આશરે 58.5 કિલોમીટરના એલિવેટેડ વાયાડક્ટ (Viaduct)ના નિર્માણ માટે ટેન્ડર મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
7 પેકેજમાં વહેંચાયેલું 58.5 કિમીનું નેટવર્ક
વર્તમાન પ્રક્રિયા હેઠળ બહાર પાડવામાં આવેલા 7 ટેન્ડરોમાં કુલ 58.527 કિલોમીટરનો એલિવેટેડ વાયાડક્ટ અને 43 એલિવેટેડ સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાં નારણપુરા, નહેરુનગર, વાડજ, બાપુનગર, એપીએમસી, ન્યૂ ફૈઝલ નગર, શિલજ, બાદરાબાદ , થલતેજ ગામ અને ગોધાવી જેવા મહત્વના વિસ્તારોને જોડતા કોરિડોર બનાવવામાં આવશે.
સૌથી મોટા પેકેજમાં શિલજ સર્કલથી બાદરાબાદ ડેડ એન્ડ સુધીના 12.527 કિમી લાંબા એલિવેટેડ વાયાડક્ટ અને 7 સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, થલતેજ ગામ ડેડ એન્ડથી ગોધાવી ડેડ એન્ડ સુધીના 10.26 કિમીના પટ્ટા પર 8 એલિવેટેડ સ્ટેશનો બનાવવામાં આવશે.
ફેઝ-3ના 7 મહત્વના પેકેજો અને રૂટની વિગતો
| રૂટ / સ્ટ્રેચ (Stretch) | વાયાડક્ટ લંબાઈ | સ્ટેશનોની સંખ્યા |
| નારણપુરા થી નહેરુનગર | 8.68 કિમી | 5 |
| વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થી અરિહંત નગર | 4.84 કિમી | 5 |
| દુધેશ્વર થી વાડજ | 4.62 કિમી | 3 |
| વિશાલ નગર વેસ્ટ થી બાપુનગર નોર્થ | 11.04 કિમી | 10 |
| એપીએમસી થી ન્યૂ ફૈઝલ નગર | 6.56 કિમી | 5 |
| શિલાજ સર્કલ થી બાદરાબાદ ડેડ એન્ડ | 12.527કિમી | 7 |
| થલતેજ ગામ ડેડ એન્ડ થી ગોધાવી ડેડ એન્ડ | 10,26 કિમી | 8 |
| કુલ | 58,527 કિમી | 43 |
પ્રી-કન્સ્ટ્રક્શન અને પાયાની કામગીરી શરૂ
ફેઝ-3ના પ્રસ્તાવિત વિસ્તરણ માટે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (PIB) દ્વારા થલતેજ ગામ-સનાથલ કોરિડોરના બાદરાબાદ તરફના વિસ્તરણને મંજૂરી મળી ચૂકી છે અને હવે તેને યુનિયન કેબિનેટની આખરી મંજૂરીની રાહ છે.
પ્રોજેક્ટના અમલીકરણનો સમય ઘટાડવા માટે GMRC દ્વારા અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે વિગતવાર ડિઝાઇન સલાહકારોની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે જીઓટેકનિકલ તપાસ અને યુટિલિટી શિફ્ટિંગનું કામ પણ પ્રગતિમાં છે. પાણી, વીજળી, ગેસ, ગટર અને ટેલિકોમ જેવી સેવાઓ માટે 35.81 કરોડ રૂપિયાના 4 યુટિલિટી શિફ્ટિંગ પેકેજો પણ શરૂ કરવામાં આવ્યા છે.
અમદાવાદનો પ્રથમ લૂપ (સર્ક્યુલર) મેટ્રો રૂટ
આ ફેઝની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં વાડજ સર્ક્યુલર કોરિડોર દ્વારા શહેરના પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ ભાગોને જોડતો અમદાવાદનો પ્રથમ લૂપ મેટ્રો રૂટ બનાવવામાં આવશે. આ વર્તુળાકાર અલાઇનમેન્ટ અખબારનગર, નારણપુરા, શિવરંજની, શ્યામલ ક્રોસરોડ્સ, જીવરાજ પાર્ક, એપીએમસી, પીરાણા ક્રોસરોડ્સ, કોઝી હોટેલ, ઈસનપુર, અમરાઈવાડી, રાખિયાલ રોડ, સૈજપુર બોઘા, કલાપીનગર, ગિરધરનગર અને દુધેશ્વર થઈને ફરી વાડજ પર પરત ફરશે.
ગુજરાત યુનિવર્સિટી, એપીએમસી, અમરાઈવાડી અને વાડજ ખાતે મુખ્ય ઇન્ટરચેન્જ સ્ટેશનો પ્રસ્તાવિત છે, જેનાથી મુસાફરો હાલના પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ કોરિડોર વચ્ચે સરળતાથી બદલી શકશે.
ભવિષ્યની પ્રાદેશિક કનેક્ટિવિટી અને સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ માટે તૈયારીઓ
શિલજથી બાદરાબાદ સુધીનું અલાઇનમેન્ટ સરદાર પટેલ રિંગ રોડને સમાંતર રાખવામાં આવ્યું છે, જે બોપલ ક્રોસરોડ્સ અને શાંતિપુરા ક્રોસરોડ્સ થઈને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે નજીક બાદરાબાદ સુધી પહોંચશે. આ ભવિષ્યમાં આગામી ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી મેટ્રો લંબાવવાનો પાયો નાખશે.
વધુમાં, થલતેજ ગામ-ગોધાવી સેક્શન ગોધાવી ખાતે સાઉથ વેસ્ટ અમદાવાદ સ્પોર્ટ્સ અરેના (SWASA) ને પણ જોડશે, જે 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે તૈયાર થઈ રહી છે.
આ ટેન્ડર પ્રક્રિયા સાથે જ અમદાવાદ મેટ્રો ફેઝ-3 હવે માત્ર આયોજનના કાગળોમાંથી બહાર આવીને વાસ્તવિક નિર્માણ તરફ આગળ વધી રહ્યો છે.
