વર્ષ 2026ની ગુજરાતની પ્રથમ લોક અદાલતમાં 5.77 લાખથી વધુ પેન્ડિંગ કેસનો ઉકેલ, રૂ. 3093 કરોડના વળતરના હુકમો કરવામાં આવ્યા

કૌટુંબિક ઝઘડાઓ અને ઔદ્યોગિક તકરારો જેવા વિવિધ પ્રકારના આશરે 6,67,858 પેન્ડિંગ કેસો હાથ પર લેવામાં આવ્યા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 15 Mar 2026 01:03 PM (IST)Updated: Sun, 15 Mar 2026 01:03 PM (IST)
massive-disposal-in-gujarat-lok-adalat-over-5-lakh-cases-resolved-in-a-day

Ahmedabad News: રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે વર્ષ 2026ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું તા. 14 માર્ચ ના રોજ સમગ્ર રાજ્યમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2026ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત ગુજરાત રાજ્યભરમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ, જેમાં 5.77 લાખથી વધુ લાંબા સમયથી પડતર કેસોનો નિકાલ કરવામાં આવ્યો. એક જ દિવસમાં થયેલા આ ભગીરથ કાર્ય થકી રૂ. 3200 કરોડથી વધુના એવોર્ડ સાથે ન્યાયપૂર્ણ અને મૈત્રીપૂર્ણ સમાધાન આવ્યા હતા.

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક જસ્ટિસ સુનિતા અગ્રવાલ તથા વરિષ્ઠ ન્યાયમૂર્તિ જસ્ટિસ એ. વાય. કોગજેના સીધા માર્ગદર્શન હેઠળ આયોજિત આ લોક અદાલત પક્ષકારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. તમામ જિલ્લા અને તાલુકા કાનૂની સેવા સત્તા મંડળોને આપવામાં આવેલા તલસ્પર્શી માર્ગદર્શનને પરિણામે આ કાર્યક્રમને ઝળહળતી સફળતા મળી છે.

આ લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર, દીવાની દાવાઓ, ચેક રિટર્ન (NI Act), ફોજદારી સમાધાનપાત્ર કેસો, કૌટુંબિક ઝઘડાઓ અને ઔદ્યોગિક તકરારો જેવા વિવિધ પ્રકારના આશરે 6,67,858 પેન્ડિંગ કેસો હાથ પર લેવામાં આવ્યા હતા. જેમાંથી પક્ષકારોના પરસ્પર સહકારથી 5,77,579 કેસોનો સુખદ અંત આવ્યો છે, જેમાં આશરે રૂ. 3093.02 કરોડના વળતરના હુકમો કરવામાં આવ્યા છે. પ્રિ-લિટિગેશન અને પોસ્ટ-લિટિગેશન એમ બંને તબક્કાના કુલ 13,98,787 કેસોનો નિકાલ કરીને કુલ રૂ. 3209.80 કરોડના એવોર્ડ પસાર કરવામાં આવ્યા છે, જે રાજ્યની ન્યાયિક પ્રક્રિયામાં એક મોટી સિદ્ધિ ગણાય છે.

વિશેષમાં, રાજ્યના 8,21,208 પ્રિ-લિટિગેશન કેસોમાં પણ પક્ષકારો વચ્ચે સમજૂતી સધાઈ હતી અને તેમાં રૂ. 116.78 કરોડના એવોર્ડ આપવામાં આવ્યા હતા. ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન અંગેના 6,48,375 ઈ-ચલણના કેસોના નિકાલ દ્વારા રૂ. 50.48 કરોડની દંડની રકમ વસૂલવામાં આવી છે. સામાજિક દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ એવા 3581 દામ્પત્ય જીવનના વિવાદોમાં પણ લોક અદાલતના માધ્યમથી સમાધાન થતા અનેક પરિવારો ફરી એક થયા છે.

નામદાર ચીફ જસ્ટિસ અને કારોબારી અધ્યક્ષના સતત પ્રયત્નો અને રાજ્યભરની અદાલતોમાં ગોઠવવામાં આવેલી અસરકારક મધ્યસ્થી વ્યવસ્થાને કારણે 10 વર્ષથી વધુ સમયથી પડતર હોય તેવા 764 જટિલ કેસોનો નિકાલ લાવવામાં સફળતા મળી છે. આ ઉપરાંત, પૂર્વનિર્ધારિત 6655 ટાર્ગેટેડ કેસોમાં પણ સફળ ફેંસલો આવ્યો છે. આમ, વર્ષ 2026ની આ પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતે સાબિત કર્યું છે કે ગુજરાતમાં વિવાદોના ઝડપી, સૌહાર્દપૂર્ણ અને અસરકારક નિરાકરણ માટે લોક અદાલત એક સશક્ત અને લોકપ્રિય માધ્યમ બની રહી છે.