શું તમારા પરિવારમાં પણ કેન્સરનું વારસાગત જોખમ છે? જાણો શું છે 'લિન્ચ સિન્ડ્રોમ' જે 70 પેઢીથી ફેલાઈ રહ્યું છે

અમદાવાદની સંસ્થાના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે કેન્સર પાછળ 70 પેઢી જૂનું વારસાગત જીન 'લિન્ચ સિન્ડ્રોમ' જવાબદાર હોઈ શકે છે. જાણો 519 દર્દીઓના DNA ટેસ્ટ રિપોર્ટ વિશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 15 Oct 2026 01:01 PM (IST)Updated: Thu, 15 Oct 2026 01:01 PM (IST)
lynch-syndrome-cancer-risk-inherited-gene-mutation-gujarat-research

Gujarat Cancer Research: ગુજરાતમાં કેન્સર રોગથી ઘણા દર્દીઓનું મોત થતું હોય છે. પરંતુ કેન્સર થવા પાછળ માત્ર વ્યક્તિગત શારીરિક ફેરફારો કે જીવનશૈલી જ નહી, પરંતુ પેઢી દર પેઢી વારસામાં મળતી જીનની ખામી પણ આનું મોટું કારણ હોઈ શકે છે .અમદાવાદની રિસર્ચ ઇન જેનેટિક્સ એન્ડ એન્ડોક્રિનોલોજી અને અન્ય તબીબી સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવેલા એક મહત્વપૂર્ણ સંશોધનમાં ઘણી ચોંકાવાનારી વિગતો સામે આવી છે.

519 દર્દીઓમાંથી 129માં ડીએનએની ખામી

સંશોધકો દ્વારા વર્ષ 2019થી 2025 દરમિયાન ભારતભરના 17 મેડિકલ સેન્ટર્સમાં રહેલા 519 કેન્સરથી પીડાતા દર્દીઓની બાયોપ્સી અને ગાંઠના ડીએનએની ઝીણવટભરી તપાસ કરી હતી. સંશોધકોએ આંતરડા, ગર્ભાશય, પેટ, અંડાશય જેવા કેન્સરના દર્દીઓની તપાસ કરી હતી. તમામ 519 દર્દીઓમાંથી 129 દર્દીઓમાં ડીએનએ સુધારવાની પ્રક્રિયાાં ખામી મળી આવી હતી. જ્યારે આ દિશાં સંશોધકોએ વધુ જેનેટિક ટેસ્ટિંગ કર્યા તો સામે આવ્યું કે, 66 દર્દીઓમાં લિન્ચ સિન્ડ્રોમ તરીકે ઓળખાતા વારસાગત જીનની ખામી જોવા મળી છે.

એક જ પૂર્વજમાંથી વારસામાં જીન મળ્યું

રિસર્ચ ઇન જેનેટિક્સ એન્ડ એન્ડોક્રિનોલોજી અને અન્ય તબીબી સંસ્થાઓના સંશોધકોએ કરેલા સંશોધનનું રોચક પાસુ એ છે કે, જેનેટિક પ્રોફાઇલ દરમિયાન દર્દીઓમાં એક સરખો જેનેટિક નમૂનાનો ક્રમ જોવા મળ્યો છે. આ અંગે ફ્રિઝ ઇન્સ્ટિટ્યૂટના ડો. હર્ષ શેઠના જણાવ્યા અનુસાર, આ જેનેટિક ફેરફાર કોઈ એક જ સામાન્ય પૂર્વજમાંથી પેઢી દર પેઢી આગળ વધ્યો હોવાનો અંદાજ છે. જેનેટિક ગણતરી પ્રમાણે, આજથી નહી પણ આશરે 70 પેઢી પહેલા એટલે કે, લગભગ 1750 વર્ષ જૂનો હોવાનો અંદાજ છે.

લિન્ચ સિન્ડ્રોમ શું છે?

લિન્ચ સિન્ડ્રોમ એ એક જન્મજાત વારસાગત જેનેટિક સ્થિતિ છે. સામાન્ય રીતે આપણા માનવશરીરના કોષોમાં dnaની ભૂલોને સુધારવાની એક કુદરતી સિસ્ટમ હોય છે. પરંતુ લિન્ચ સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિઓમાં આ જીન્સ કામ કરતા નથી. આથી ગર્ભાશય, આંતરડા અને અંડાશયના કેન્સરનું જોખમ ખૂબ જ વધી જાય છે . આ જેનેટિક ખામી પરિવારના સભ્યોમાં આગળ વધવાની શક્યતા 50% સુધી રહે છે.