પૂર્વ અમદાવાદને મળશે 'નવું રિવરફ્રન્ટ': ખારીકટ કેનાલ પર આવશે એમ્યુઝમેન્ટ પાર્ક અને ફૂડકોર્ટ, ભારે વાહનો બંધ

પૂર્વ અમદાવાદની ખારીકટ કેનાલ હવે શહેરની નવી ઓળખ બનશે, જ્યાં ફૂડ કોર્ટ અને એમ્યુઝમેન્ટ પાર્ક વિકસાવાશે. નવા રોડ પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકાશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 24 Nov 2026 09:35 AM (IST)Updated: Tue, 24 Nov 2026 09:35 AM (IST)
kharicut-canal-transformation-sabarmati-riverfront-style-makeover-planned-for-east-ahmedabad

Kharicut Canal Redevelopment Project in Ahmedabad: પૂર્વ અમદાવાદના રહીશો માટે વર્ષોથી સમસ્યારુપ બનેલી ખારીકટ કેનાલ હવે શહેરની નવી ઓળખ બનવા જઈ રહી છે. સાબરમતી રિવરફ્રન્ટના બંને માર્ગોની જેમ જ ખારીકટ કેનાલ ઉપર તૈયાર થયેલા નવા રોડ પર ભારે વાહનો માટે સંપૂર્ણ પ્રવેશબંધી ફરમાવવાનો નિર્ણય લેવાયો છે. ધારાસભ્યો, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની સંયુક્ત સમીક્ષા બેઠકમાં આ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.

27 પ્લોટમાં ફૂડ ફોર્ટ અને એમ્યુઝમેન્ટ પાર્કનું આયોજન

નરોડાથી ન્યૂ મણિનગર એક્સપ્રેસ હાઈવે સુધીની 13.5 કિલોમીટર લાંબી કેનાલને અંડરગ્રાઉન્ડ કરીને તેની ઉપર રસ્તો બનાવવાની પ્રથમ તબક્કાની કામગીરી અંદાજે રુ.1500 કરોડના ખર્ચે પૂર્ણ થઈ ચૂકી છે. હવે તેના બ્યુટીફિકેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છએ. કેનાલની બંને તરફ આવેલા 500થી 1000 વાર સુધીના નાના-મોટા પ્લોટમાં લોકોના મનોરંજન માટે બગીચા, ફૂડ કોર્ટ અને એમ્યુઝમેન્ટ પાર્ક જેવા આકર્ષણો વિકસાવવામાં આવશે.

ટ્રાફિક નિયંત્રણ માટે હાઈટ બેરિયર

નવા બનેલા રોડ પર ટ્રાફિક વ્યવસ્થા સુગમતાથી જળવાય અને માર્ગ દુર્ઘટનાઓ અટકે તે માટે ખાસ આયોજન કરાયું છે. ભારે વાહનો આ માર્ગ પર ઘૂસી ન જાય તે માટે રસ્તા પર હાઈટ બેરિયર લગાવવામાં આવશએ. કેનાલ રોડ પર આતા આશરે 15 જેટલા રસ્તાઓ પર ટ્રાફિકની સ્થિતિ ન સર્જાય તે માટે ખાસ કેપ્સૂલ ડિઝાઈન તૈયાર કરવાની સૂચના અપાઈ છે.

પાણી ન ભરાય તે માટે વિશેષ વ્યવસ્થા

હાલમાં કેનાલની ઉપર બંને તરફ બે-બે લેનના મુખ્ય રસ્તા તૈયાર થઈ ગયા છે, હવે બંને બાજુ સર્વિસ રોડ બનાવવામાં આવશે. આ સર્વિસ રોડની ડિઝાઈનમાં સ્થાનિક રહીશોની સુવિધાનું ખાસ ધ્યાન રખાયું છે. સર્વિસ રોડ મુખ્ય રસ્તા કરતાં જરૂરિયાત મુજબ બેથી અઢી ફૂટ નીચો બનાવવામાં આવશે આનાથી આસપાસની સોસાયટીઓના આંતરિક રસ્તા અને સર્વિસ રોડ એક લેવલમાં થઈ જશે, જેથી ચોમાસામાં સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા કાયમી ધોરણે ઉકેલાઈ જશે અને મુખ્ય રોડ તથા સર્વિસ રોડનો ટ્રાફિક પણ અલગ રહી શકશે.