Khadiana Ganraj 2026: મુંબઈના પ્રસિદ્ધ લાલબાગના રાજાની તર્જ પર અમદાવાદમાં પ્રથમવાર ‘ખાડિયાના ગણરાજ’નું ભવ્ય સ્થાપન ગણેશ ચતુર્થીના રોજ તા. 14 સપ્ટેમ્બર, 2026, સોમવારના રોજ સવારે 11:30 કલાકે કરવામાં આવશે. ભગવાન ગણેશજીનું આ દિવ્ય સ્વરૂપ 10 દિવસ માટે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના ગણેશભક્તો માટે આસ્થાનું નવું કેન્દ્ર બનશે.
શ્રી ગણેશજીને વિઘ્નહર્તા, મંગલમૂર્તિ અને બુદ્ધિ-સિદ્ધિના દાતા માનવામાં આવે છે. ગણપતિ બાપ્પાના દર્શન માત્રથી મનને શાંતિ મળે છે અને તેમના ચરણોમાં શીશ ઝુકાવવાથી ભક્તના હૃદયને એક અનોખી આધ્યાત્મિક અનુભૂતિ થાય છે. ત્યારે આ વર્ષે ‘ખાડિયાના ગણરાજ’ના પાવન ચરણસ્પર્શ દર્શનનો અવસર મળવો એ ભાવિકો માટે વિશેષ સૌભાગ્ય છે.
‘ખાડિયાના ગણરાજ’ના આ ભવ્ય આયોજનનું સૌથી વિશેષ અને ભાવનાત્મક પાસું એ છે કે, ગુજરાતમાં પ્રથમવાર ભાવિકોને ભગવાન શ્રી ગણેશજીના ચરણસ્પર્શ દર્શનનો લ્હાવો મળી શકશે. શ્રી ગણેશજીનું વિસર્જન તા. 25 સપ્ટેમ્બર, 2026, શુક્રવારના રોજ બપોરે 12:30 કલાકે કરવામાં આવશે.
ભગવાનના પાવન ચરણોના દર્શન કરીને, તેમના ચરણસ્પર્શથી આશીર્વાદ મેળવીને મનની મનોકામનાઓ ગણરાજના ચરણોમાં અર્પણ કરવાનો આ અવસર ભક્તો માટે અત્યંત પાવન બની રહેશે.
જેમ સંતાન પોતાના માતા-પિતાના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ મેળવે છે, તેમ ભક્ત પોતાના ગણરાજના ચરણોમાં માથું નમાવીને જીવનના તમામ વિઘ્નો દૂર કરવાની પ્રાર્થના કરી શકશે.
આ માત્ર દર્શન નહિ, પણ આસ્થાને સ્પર્શવાનો, ભક્તિને અનુભૂતિનો અને ગણરાજના ચરણોમાં પોતાની શ્રદ્ધા અર્પણ કરવાનો અવસર છે.
અષ્ટ વિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ તથા ધાર્મિક સત્સંગના અગ્રણીઓ અને લોકભાગીદારો દ્વારા આયોજિત આ ખાડિયા સાર્વજનિક ગણેશ મહોત્સવમાં અમદાવાદની તમામ ભાવિક જનતાને પરિવારજનો અને સ્નેહીજનો સાથે પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ ગણેશોત્સવને માત્ર ઉત્સવ તરીકે નહીં, પરંતુ ભક્તિ અને ભાવનાના પર્વ તરીકે ઉજવવા અને ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષથી સમગ્ર અમદાવાદને ભક્તિમય બનાવવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.
