Commonwealth Games: વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં રમતગમતની સુવિધાઓને વધુ પ્રોત્સાહન આપવા માટે મોટા પાયે કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ક્રમમાં, AMC દ્વારા ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં ₹30 કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત આવતીકાલે કરવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, શહેરના યુવા વર્ગમાં રમતગમત પ્રવૃત્તિઓ પ્રત્યે અભિરુચિ કેળવાય તેમજ ઇન્ડોર અને આઉટડોર ગેમ્સને પ્રોત્સાહન મળે તે હેતુસર વધુને વધુ સ્પોર્ટ્સ સુવિધાઓ ડેવલપ કરવામાં આવી રહી છે.
ગોતા કોમ્પ્લેક્સની મુખ્ય સુવિધા
ગોતામાં ટીપી-32, એફપી-162 માં કુલ 18,824 ચો.મી. એરિયા ધરાવતા પ્લોટ પૈકી 15,824 ચો.મી.ના વિસ્તારમાં ₹30 કરોડ, 49 લાખ + GST ના ખર્ચે આ મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થશે. આ કોમ્પ્લેક્સમાં નીચે મુજબની મુખ્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે:
- સ્વિમિંગ પૂલ: ઓલિમ્પિક સાઈઝનો સ્વીમિંગ પૂલ, જે ટેન્સાઈલ કેનોપી (Tensile Canopy) સાથે તૈયાર કરાશે.
- મલ્ટી પર્પઝ હોલ: વિવિધ ઈન્ડોર પ્રવૃત્તિઓ માટે મલ્ટી પર્પઝ હોલ.
- રમતગમતની સુવિધા: બે ટેબલ ટેનિસ કોર્ટ, એક સ્ક્વોશ કોર્ટ, એક બાસ્કેટબોલ કોર્ટ, આઉટડોર જિમ અને કબડ્ડી કોર્ટ સહિતની સુવિધા.
- લેન્ડસ્કેપિંગ: આકર્ષક લેન્ડસ્કેપિંગ એરિયા.
- પાર્કિંગ: 71 ફોર વ્હીલર અને 110 ટુ-વ્હીલરના પાર્કિંગની પૂરતી સુવિધા.
AMC દ્વારા આ હેતુસરનું ટેન્ડર મંજુર કરી દેવામાં આવ્યું છે. શહેરના યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાનો આ પ્રોજેક્ટ AMCની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ કોમ્પ્લેક્સ ગોતા વોર્ડના રહેવાસીઓ માટે રમત ગમત ક્ષેત્રે એક મોટું આકર્ષણ બની રહેશે.
