Kanti Amrutiya Vs Gopal Italia: કાંતિ અમૃતિયા ગાંધીનગરમાં તો ગોપાલ ઇટાલિયા ક્યાં? વિસાવદરના ધારાસભ્યએ સોશિયલ પોસ્ટ કરી જણાવ્યું

કાંતિ અમૃતિયાએ એવો પડકાર ફેંક્યો હતો કે ગોપાલ ઇટાલિયા મોરબીમાંથી ચૂંટણી લડે અને જીતીને બતાવે. ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાને રાજીનામું આપી બતાવે તેવી ચેલેન્જ ફેંકી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 14 Jul 2025 06:15 PM (IST)Updated: Mon, 14 Jul 2025 06:15 PM (IST)
kanti-amrutia-reaches-gandhinagar-for-resignation-gopal-italia-absent-amidst-challenge

Gopal Italia News: ગોપાલ ઇટાલિયા દ્વારા રાજીનામું આપવાની ચેલેન્જ આપ્યા બાદ આજે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા આજે ગાંધીનગર પહોંચ્યા હતા. થોડો સમય ગાંધીનગરમાં રાજકીય ડ્રામા સર્જાયો હતો. વિધાનસભા પાસે તેમણે જણાવ્યું હતું કે, ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે તેના પછી હું રાજીનામું આપી દઇશ. હું અહીં તેમની રાહ જોઉં પરંતુ તે આવ્યા નથી. ગોપાલ ઇટાલિયા નહીં દેખાત અનેક તર્ક-વિતર્કો સર્જાયા હતા. ત્યારે વિસાવદરના ધારાસભ્યએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી પોતે ક્યાં હતા તે જણાવ્યું છે.

કાંતિ અમૃતિયાએ ગાંધીનગરમાં રાજકીય માહોલ ગરમાવ્યો

થોડા દિવસ પહેલા કાંતિ અમૃતિયાએ એવો પડકાર ફેંક્યો હતો કે ગોપાલ ઇટાલિયા મોરબીમાંથી ચૂંટણી લડે અને જીતીને બતાવે. આ પડકારનો જવાબ આપતા ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાને રાજીનામું આપી બતાવે તેવી ચેલેન્જ ફેંકી હતી. આ ચેલેન્જની સામે આજે કાંતિ અમૃતિયા સમર્થકો સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે, હું 12.30થી 12.39 વાગ્યા સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોઇશ. હજી સુધી ગોપાલ ઇટાલિયા આવ્યા નથી. તેમનો ફોન લાગતો નથી. તે ક્યાં છે એવા સવાલો કર્યા હતા. તેમજ સાથે એવું પણ કહ્યું હતું કે, ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે રાજીનામું આપે એટલે હું પણ રાજીનામું આપી દઇશ. આ લડાઇ મારી અને ગોપાલ ઇટાલિયાની છે.

ક્યાં હતાં ગોપાલ ઇટાલિયા?

આજે ગાંધીનગરમાં કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા આવ્યા નહીં, ક્યાં છે એ ખબર નથી. ત્યારે ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે વિસાવદર તાલુકામાં વીજળી વિભાગના વિવિધ પ્રશ્નોને લઈને નાયબ ઈજનેર વિભાગ-1 તેમજ નાયબ ઈજનેર વિભાગ-2 બંનેને રૂબરૂ મળીને સમગ્ર તાલુકાના ગામડાઓના અલગ અલગ પ્રશ્નો બાબતે ચર્ચા કરી હતી.

આ ચર્ચામાં નવા ખેતીવાડી કનેક્શન, સર્વિસ લંબાવવા કે સ્થળ બદલવા, નામ ટ્રાન્સફર કરવા, ગામની નજીક આવેલ સીમતળમાં કનેક્શન, ખોટા દંડ અને પુરવણી બિલ, સમયસર વીજ ફોલ્ટ દૂર કરવા, લોડ વધારવાની અરજીઓ, નવી સર્વિસ (નવો તાર) નાખવા, અને ફિડર અલગ કરવાના પ્રશ્નો સહિત અનેક બાબતો પર ઉંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી.

કેટલા પ્રશ્નો વહીવટીય રીતે, કેટલા ટેકનિકલી રીતે અને કેટલા પ્રશ્નો સમાજને સાથે રાખીને ઉકેલી શકાય છે તે બાબતે સકારાત્મક ચર્ચા કરવામાં આવી. આ દરમિયાન અરજદાર નાગરિકો સાથે વાતચીત કરીને તેમના પ્રશ્નો બાબતે સૂચન પણ કરવામાં આવ્યું છે.

અન્ય એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ તાલુકાના અવતડીયા ગામે આજરોજ આકસ્મિક મુલાકાત દરમ્યાન ગ્રામજનોને મળવાનું થયું છે. ગામના સૌ આગેવાનો, વડીલો અને બહેનોએ ખુબ લાગણીભર્યો આવકાર આપ્યો છે. ગામમાં ગોપાલ ઇટાલીયા આવ્યા છે એ વાતની જાણ થતા હરખભેર ખુબ મોટી સંખ્યામાં બહેનો એકઠા થયેલ હતા. આકસ્મિક મુલાકાત હોવાથી જેટલા લોકો હાજર હતા એ તમામનો આભાર વ્યક્ત કર્યો, કામકાજ અંગે ચર્ચાઓ કરી અને ચુંટણી સમયના અનુભવોની ચર્ચા કરી હતી.

સોશિયલ પોસ્ટ પર લોકોએ કરી કોમેન્ટ

ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં લોકો દ્વારા કોમેન્ટ કરવામાં આવી છે. જેમાં ગાંધીનગરમાં કરવામાં આવેલા રાજકીય ડ્રામાને ટાંકીને કહ્યું છેકે, ગોપાલ ઇટાલિયા જનતા માટે કામ કરે છે. ત્યારે બીજી તરફ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા રાજીનામાનું નાટક કરે છે. આ બધુ બંધ કરી મોરબીની જનતા માટે કામ કરવું જોઇએ. બીજી તરફ અમુક લોકો દ્વારા આજે તમારે ગાંધીનગર જવાનું હતું કેમ ન ગયા તેવું પણ પૂછતા જોવા મળ્યા છે.