કાંકરિયા ગરબામાં ચુસ્ત સુરક્ષા; CCTV સર્વેલન્સ, રેસ્ક્યૂ બોટ, મેડિકલ ટીમ અને ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસ રહેશે તહેનાત

AMC દ્વારા 24 ઓક્ટોબરે કાંકરિયા લેકફ્રન્ટ ખાતે વિશેષ ગરબા મહોત્સવનું આયોજન. 1000થી વધુ દિવ્યાંગજનો અને નાગરિકો માટે ફ્રી એન્ટ્રી, ગેટ નંબર 1 થી 7 ની વ્યવસ્થા, જુઓ સમય અને સિક્યોરિટી પ્લાન.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sat, 24 Oct 2026 02:59 AM (IST)Updated: Sat, 24 Oct 2026 02:59 AM (IST)
kankaria-garba-ahmedabad-enhanced-security-for-grand-event

Kankaria Lakefront Garba Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કાંકરિયા લેકફ્રન્ટ ખાતે શનિવાર, 24 ઓક્ટોબર, 2026ના રોજ પ્રથમવાર ‘કાંકરિયાનાં ગરબા’ મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં 1,000થી વધુ દિવ્યાંગજનો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો એકસાથે ગરબે રમશે. દિવ્યાંગોને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સહભાગી થવાની તક પૂરી પાડવા અને તેમનો પ્રોત્સાહન વધારવાના હેતુથી આ કાર્યક્રમ સાંજે 7:30થી રાત્રે 12:00 વાગ્યા સુધી યોજાશે.

નાગરિકો માટે ખાસ બેઠક વ્યવસ્થા અને મનોરંજનના સમૂહો

કાંકરિયા લેકફ્રન્ટના વિશાળ પરિસરમાં આયોજિત આ ઉત્સવમાં મોટા રાઉન્ડમાં ગરબા રમવા ઉપરાંત પરિવારજનો અને મિત્રો નાના-નાના સમૂહોમાં બેસીને કાર્યક્રમનો આનંદ માણી શકે તે માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. AMCનો હેતુ કાંકરિયાને એક સાંસ્કૃતિક ઉત્સવના માધ્યમથી નાગરિકો માટે વધુ આકર્ષક અને યાદગાર સ્થળ તરીકે રજૂ કરવાનો છે.

સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત: પરંપરાગત પોશાકમાં ગરબે રમશે મહિલા પોલીસ

નાગરિકો, દિવ્યાંગ બાળકો અને મહાનુભાવોની સુરક્ષા માટે સ્થળ પર વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

CCTV & સિક્યોરિટી: સમગ્ર પરિસરમાં CCTV કેમેરા, લાઇટિંગ અને પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ્સ તહેનાત રહેશે.

જળ સુરક્ષા & મેડિકલ: તળાવની સુરક્ષા માટે ‘રેસ્ક્યૂ બોટ’ અને ઇમરજન્સી માટે મેડિકલ ટીમ હાજર રહેશે.

સહભાગી પોલીસ: પોલીસ વિભાગની મહિલા અને પુરુષ ટીમ પરંપરાગત પોશાકમાં નાગરિકો સાથે ગરબે રમીને સુરક્ષા તેમજ સકારાત્મક સંવાદનો સંદેશ આપશે.

નિઃશુલ્ક પ્રવેશ: 6 ગેટ પરથી મેળવી શકાશે એન્ટ્રી

અમદાવાદીઓ માટે કાંકરિયા લેકફ્રન્ટના ગેટ નંબર 1, 3, 4, 5, 6 અને 7 પરથી નિઃશુલ્ક (Free) પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે. જો આ આયોજન સફળ રહેશે તો આગામી વર્ષે નવરાત્રિના આખા નવ દિવસ કાંકરિયા ખાતે ગરબાનું આયોજન કરવા અંગે પણ AMC વિચારણા કરી શકે છે.

આ મહાનુભાવો રહેશે ખાસ ઉપસ્થિત

આ વિશેષ પ્રસંગે અમદાવાદના મેયર હિતેશ બારોટ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ હસમુખભાઈ પટેલ અને દિનેશભાઈ મકવાણા ઉપસ્થિત રહેશે. ઉપરાંત ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોર અને દંડક અતુલ મિશ્રા સહિતના અગ્રણીઓ સહભાગી બનશે.