અમદાવાદ સ્ટેશને ટ્રેન નહીં રોકાય, 21 ઓગસ્ટથી 21 નવેમ્બર સુધી સાબરમતીથી જ ઉપડશે જોધપુર-હડપસર એક્સપ્રેસ

અમદાવાદ સ્ટેશનના રીડેવલપમેન્ટ કામને કારણે ટ્રેન નં. 20495/20496 જોધપુર-હડપસર એક્સપ્રેસ હવે 21 ઓગસ્ટથી 21 નવેમ્બર સુધી સાબરમતી સ્ટેશને રોકાશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 21 Aug 2026 06:00 AM (IST)Updated: Fri, 21 Aug 2026 06:00 AM (IST)
jodhpur-hadapsar-express-ahmedabad-stoppage-shifted-to-sabarmati

Jodhpur Hadapsar Express Sabarmati Stoppage: અમદાવાદ (કાલુપુર) રેલવે સ્ટેશનને વિશ્વસ્તરીય બનાવવા માટે ચાલી રહેલા પુનઃવિકાસ (Redevelopment) કામકાજને કારણે પ્લેટફોર્મ પર ટ્રેનોનું ભારણ ઘટાડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને ટ્રેન નંબર 20495/20496 જોધપુર-હડપસર-જોધપુર દૈનિક એક્સપ્રેસનું અમદાવાદ સ્ટેશન પરનું સ્ટોપેજ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું છે અને તેને બદલે સાબરમતી સ્ટેશને સ્ટોપેજ આપવાની જાહેરાત કરાઈ છે.

3 મહિના સુધી લાગુ રહેશે નવો ફેરફાર

રેલવે પ્રશાસન તરફથી મળેલી માહિતી મુજબ, આ નવી વ્યવસ્થા 21 ઓગસ્ટ 2026થી શરૂ થઈને 21 નવેમ્બર 2026 સુધી એટલે કે આગામી ત્રણ મહિના માટે લાગુ રહેશે.

કઈ ટ્રેન પર અસર: ટ્રેન નંબર 20495/20496 જોધપુર - હડપસર - જોધપુર દૈનિક એક્સપ્રેસ.

નિયમિત સ્ટોપેજમાં ફેરફાર: અમદાવાદ કાલુપુર સ્ટેશને આ ટ્રેન નહીં રોકાય.

નવું સ્ટોપેજ: મુસાફરોની સુવિધા માટે આ ટ્રેન સાબરમતી સ્ટેશને રોકાશે.

કેમ લેવાયો આ નિર્ણય?

અમદાવાદ સ્ટેશન પર મોટા પાયે ફાઉન્ડેશન, સબ-વે અને પ્લેટફોર્મના આધુનિકીકરણનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે પ્લેટફોર્મની ઉપલબ્ધતા મર્યાદિત બની છે. કાલુપુર સ્ટેશને ટ્રેનોનો જમાવડો ન થાય અને મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે પશ્ચિમ રેલવેએ કેટલીક લાંબા અંતરની અને દૈનિક ટ્રેનોનું ભારણ નજીકના સાબરમતી સ્ટેશને શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે.

મુસાફરો માટે મહત્વની સલાહ

જે મુસાફરોએ ઓગસ્ટથી નવેમ્બર 2026 દરમિયાન જોધપુર, પુણે કે હડપસર તરફ જવા માટે આ ટ્રેનમાં બુકિંગ કરાવ્યું છે અથવા તો અમદાવાદથી મુસાફરી કરવાના છે, તેમણે કાલુપુર સ્ટેશને જવાને બદલે સાબરમતી સ્ટેશનેથી ટ્રેન પકડવાની રહેશે.

રેલવે વિભાગે મુસાફરોને વિનંતી કરી છે કે મુસાફરી શરૂ કરતા પહેલા ટ્રેનના ચોક્કસ સમય અને સ્ટેશનના કન્ફર્મેશન માટે ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in અથવા NTES એપ (National Train Enquiry System) પર વિગતો ચકાસી લેવી.