લોકલ ડેસ્કઃ ગુજરાત વિદ્યાપીઠમાં ફી વધારાને લઈને તેમજ આઉટસોર્સિંગથી અગાઉ ભરતી કરાયેલા હંગામી કર્મચારીઓને છુટા કરવા મુદ્દે હાલ વિરોધ અને વિવાદ ચાલી રહ્યો છે. પટ્ટાવાળા સિક્યોરિટી તેમજ અટેન્ડન્ટ સહિતના સ્ટાફમાં પર જેટલા કર્મચારીઓ હતા તેમને છુટા કરાયા બાદ કેટલાક કર્મચારીઓએ કુલનાયકને મળીને નોકરીમાંથી છૂટા ન કરવા માટે આવેદનપત્ર આપ્યું હતું.પરંતુ શું મહાત્માની સંસ્થામાં નવું મેનેજમેન્ટ હવે માનવતા રાખશે કે નહીં.
ગૂજરાત વિદ્યાપીઠમાં નવું મેનેજમેન્ટ આવ્યા પહેલા અગાઉ આઉટસોર્સિંગ એજન્સી દ્વારા વિદ્યાપીઠમાં વિવિધ જગ્યાઓ પર વર્ગ-4ના અનેક હંગામી કર્મચારીઓની આડેધડ ભરતીઓ કરી દેવામા આવી હતી. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ કર્મચારીઓ વિદ્યાપીઠના નથી અને આઉટ સોર્સિંગનું કામ કરતી ખાનગી કંપનીઓ દ્વારા સિક્યુરિટી,પટાવાળા અને અટેન્ડન્ટ સહિતા આ માણસો મુકવામાં આવ્યા હતા. તો પછી આ કર્મચારીઓને વિદ્યાપીઠમાં સ્ટાફ કવાર્ટર્સ કેમ અપાયા? અગાઉ કોના કહેવાથી એજન્સીના કર્મચારીઓને બારોબાર ક્વાર્ટસ રહેવા આપી દેવાયા? વિદ્યાપીઠમાં સ્ટાફ ક્વાર્ટર્સ એ જ કર્મચારીને મળી શકે છે કે જે વિદ્યાપીઠના પોતાના સેવકો હોય અને વિદ્યાપીઠે પોતે સીધી ભરતી પ્રક્રિયાથી નિમણૂકો કરી હોય.
હાલ પર જેટલા હંગામી કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવા 30 જુન સુધીની નોટિસ આપી દેવાઈ છે અને ઘર-કવાર્ટર્સ પશુ ખાલી કરી દેવાયા છે. 31મી મે સુધી કવાર્ટર ખાલી કરવા નોટિસ અપાયા બાદ હાલ અનેક કર્મચારીઓને બક્કર કાઢી તાળા મારી દેવાયા છે અને કેટલાક કર્મચારી પરિવારસાથે ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે.એક કર્મચારીને પોતાનું કોઈ ઘર જ ન હોવાથી હાલ કફોડી હાલત થઈ છે. અગાઉના રજિસ્ટ્રાર કે કુલનાયક અગાઉના સત્તામંડળે કરેલી ભૂલો અને બારોબાર કરેલી ભરતીઓની ભૂલનો ભોગ આ કર્મચારીઓને બનવું પડ્યું છે.
વિદ્યાપીઠ મેનેજેન્ટે હવે આઉટસોર્સિંગના તમામ કર્મચારીને દૂર કરીને સીધી ભરતીથી જ નિમણૂંકો કરવાનું નક્કી કર્યું છે. આ અંગે વિદ્યાપીઠના ઈન્ચાર્જ કુલનાયકે જણાવ્યું કે આજે ઘણા કર્મચારી મને રજૂઆત કરવા આવ્યા હતા અને તેઓએ આવેદનપત્ર આપ્યુ છે.અમારી સંવેદના તેઓની સાથે છે.પરંતુ નિયમ મુજબ પ્રક્રિયા કરવાની છે. અમે 150 જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત આપી છે.જેમાં ધોરણ 10 પાસ અને ધોરણ 10 પાસ ન હોય તેવા કર્મચારીઓ માટે પણ જોગવાઈ રાખી છે. આ કર્મચારીઓ 30 જુને છુટા થવાના છે અને તે પહેલા ભરતીમાં અરજી કરી તેઓ સિલેક્ટ થઈ શકે છે. અમે અટેન્ડન્ટની પણ જગ્યા રાખી છે.જેમાં આ કર્મચારીઓને ધ્યાને રાખી શૈક્ષત્રિક લાયકાત નહીં પરંતુ કામનો અનુભવ જ મંગાયો છે.
