Ahmedabad News: અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ઉત્તર પ્રદેશના રાજુ નામના યુવકે એક રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બની છે. મૃતક જામનગરમાં નોકરી કરતો હતો અને પોતાના મિત્ર સાથે વતન જવા નીકળ્યો હતો. છેલ્લા ચાર દિવસથી તે માનસિક તણાવમાં હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
જામનગરથી ઉત્તરપ્રદેશ જવા નીકળ્યો હતો યુવક
મળતી વિગતો અનુસાર, જામનગરમાં રહેતો મૂળ ઉત્તરપ્રદેશનો રાજુ વતન જવા માટે મિત્ર સાથે નીકળ્યો હતો. ટ્રેન કાલુપુર પહોંચી ત્યારે રાજુ મિત્રને જાણ કર્યા વગર ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. પોલીસ સ્ટેશન પહોંચીને રાજુએ પોલીસને જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિ તેને હેરાન કરી રહી છે. રાજુની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે તેના ભાઈ સાથે ફોન પર વાત કરાવી હતી.
પોલીસ સ્ટેશનના ઈલેક્ટ્રિક રૂમમાં ગળેફાંસો ખાધો
રાજુ પાસે પૈસા ન હોવાનું જણાવતા તેના ભાઈએ એક દિવસમાં નાણાં મોકલી આપવાની ખાતરી આપી હતી. આ દરમિયાન એક પોલીસ કર્મચારીએ રાજુને નાસ્તો કરવા માટે 100 રૂપિયા પણ આપ્યા હતા. જોકે, પોલીસ સ્ટેશનમાં હાજર રાજુ તક જોઈને અચાનક ઈલેક્ટ્રિક રૂમમાં જતો રહ્યો અને ત્યાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
માનસિક તણાવ અને સાથે રહેલા મિત્રની તપાસ શરૂ
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, રાજુ છેલ્લા ચાર દિવસથી જામનગરમાં માનસિક રીતે પરેશાન અને ટેન્શનમાં હતો. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ, રાજુ સાથે ઉત્તર પ્રદેશ જઈ રહેલો તેનો મિત્ર હાલમાં ફોન ઉપાડતો ન હોવાથી પોલીસે તે મિત્રની પણ શોધખોળ અને તપાસ શરૂ કરી છે.
