IPL 2026 Final: GT vs RCB મેચ માટે રેલ્વેની મોટી ભેટ, મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડશે 4 સ્પેશિયલ ટ્રેનો

IPL 2026 Final પહેલા પશ્ચિમ રેલ્વેએ ક્રિકેટ ચાહકો માટે મોટી જાહેરાત કરી છે. GT vs RCB ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને મુંબઈ-અમદાવાદ વચ્ચે 4 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 30 May 2026 09:21 AM (IST)Updated: Sat, 30 May 2026 09:21 AM (IST)
ipl-2026-final-gt-vs-rcb-special-trains-mumbai-ahmedabad-western-railway

RCB vs GT, IPL 2026 Final: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ના ટાઇટલ જંગ માટે સ્ટેજ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે. 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે હોમ ટીમ ગુજરાત ટાઇટન્સ (GT) અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે આ મહામુકાબલો રમાશે. આ હાઇ-વોલ્ટેજ ફાઇનલ મેચને પગલે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રશંસકોની મુસાફરીને વધુ સરળ અને સુવિધાજનક બનાવવા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા મુંબઈ અને અમદાવાદ વચ્ચે 4 ખાસ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે.

જોકે, રેલ્વે પ્રશાસન દ્વારા સત્તાવાર રીતે એવું નથી કહેવાયું કે આ ટ્રેનો ખાસ આઇપીએલ ફાઇનલ માટે જ શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ ટ્રેનોના સમય અને શિડ્યુલ પરથી સ્પષ્ટ થાય છે કે મોટેરા સ્ટેડિયમમાં રમાનારી આ મોટી મેચ દરમિયાન મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા માટે જ આ નિર્ણય લેવાયો છે.

ખાસ ભાડા સાથે દોડશે બે જોડી સ્પેશિયલ ટ્રેનો

પશ્ચિમ રેલ્વેના જણાવ્યા અનુસાર, આ ચારેય ટ્રેનો ખાસ ભાડા (Special Fare) પર દોડશે. જેમાંથી એક જોડી મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે દોડશે, જ્યારે બીજી જોડી બાંદ્રા ટર્મિનસને વટવા અને અમદાવાદ સાથે જોડશે.

મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ (ટ્રેન નં. 09021/09022)

ટ્રેન નંબર 09021: 31 મેના રોજ સવારે 6:20 વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને તે જ દિવસે બપોરે 12:40 વાગ્યે અમદાવાદ પહોંચશે. મુંબઈથી મેચ જોવા આવતા ચાહકો માટે આ ટ્રેન બેસ્ટ સાબિત થશે.

ટ્રેન નંબર 09022 (પરત મુસાફરી): અમદાવાદથી બપોરે 3:10 વાગ્યે ઉપડશે અને રાત્રે 9:45 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.

સ્ટોપેજ અને કોચ: આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ અને વડોદરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં મુસાફરોને એસી એક્ઝિક્યુટિવ ચેર કાર, એસી ચેર કાર અને પ્રીમિયમ અનુભૂતિ કોચની સુવિધા મળશે.

બાંદ્રા ટર્મિનસ-વટવા/અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (ટ્રેન નં. 09043/09044)

ટ્રેન નંબર 09043: 1 જૂનના રોજ રાત્રે 11:45 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે 8:00 વાગ્યે વટવા પહોંચશે. આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વડોદરા ઉપરાંત ઉધના, આણંદ અને નડિયાદ ખાતે પણ રોકાશે.

ટ્રેન નંબર 09044 (પરત મુસાફરી): 1 જૂનના રોજ વહેલી સવારે 3:50 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને તે જ દિવસે બપોરે 12:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વડોદરા સહિત ભરૂચ અને સુરત સ્ટેશન પર પણ સ્ટોપ લેશે.

ક્રિકેટ ફેન્સ માટે પરફેક્ટ ટ્રાવેલ પ્લાન

જો તમે મુંબઈથી અમદાવાદ મેચ જોવા આવવાનું વિચારી રહ્યા છો, તો પશ્ચિમ રેલ્વેનું આ શિડ્યુલ પરફેક્ટ છે. ફેન્સ 31 મેના રોજ સવારે ટ્રેન નંબર 09021 દ્વારા અમદાવાદ આવી શકે છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આઇપીએલ ફાઇનલની ટ્રોફીનો જંગ માણ્યા બાદ, તમે 1 જૂનના રોજ વહેલી સવારે ઉપડતી ટ્રેન નંબર 09044 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ દ્વારા પરત ફરી શકો છો.

આજથી બુકિંગ શરૂ, IRCTC પર ઓનલાઇન ટિકિટ મળશે

પશ્ચિમ રેલ્વેએ સ્પષ્ટ કર્યું છે કે આ ચારેય સ્પેશિયલ ટ્રેનો માટે ટિકિટ બુકિંગ 30 મેથી શરૂ થઈ ગયું છે. મુસાફરો રેલ્વે સ્ટેશનના PRS કાઉન્ટર તેમજ IRCTC ની સત્તાવાર વેબસાઇટ કે એપ દ્વારા પોતાની ટિકિટ બુક કરાવી શકે છે.