અક્ષય કુમાર આજના યુવાનો માટે ફિટનેસ અને શિસ્તના પ્રેરણાસ્ત્રોત, ગુજરાત સરકાર કુડો રમતને આપશે રાષ્ટ્રીય પ્લેટફોર્મ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

ગુજરાતમાં કુડો રમતને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે મંચ પૂરું પાડવાના હેતુથી યોજાયેલી 'આંતરરાષ્ટ્રીય કુડો ટુર્નામેન્ટ'માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને મહારાણા ઓફ મેવાડ ચેરિટેબલ ફાઉન્ડેશનના ચેરમેન તથા મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. લક્ષ્યરાજસિંહ મેવાડે ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 16 Nov 2026 09:47 AM (IST)Updated: Mon, 16 Nov 2026 09:47 AM (IST)
international-kudo-tournament-ahmedabad-harsh-sanghavi-akshay-kumar-lakshyaraj-singh-mewar
કુડો રમત

International Kudo Tournament: રમતગમત એ માત્ર શારીરિક ક્ષમતા કેળવવાનું જ નહીં, પરંતુ યુવાનોમાં શિસ્ત, આત્મવિશ્વાસ, સમર્પણ અને આત્મરક્ષણની ભાવના વિકસાવવાનું પણ એક સશક્ત માધ્યમ છે. ગુજરાતમાં કુડો રમતને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે મંચ પૂરું પાડવાના હેતુથી યોજાયેલી 'આંતરરાષ્ટ્રીય કુડો ટુર્નામેન્ટ'માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને મહારાણા ઓફ મેવાડ ચેરિટેબલ ફાઉન્ડેશનના ચેરમેન તથા મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. લક્ષ્યરાજસિંહ મેવાડે ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

અક્ષય કુમાર યુવાનો માટે ફિટનેસ અને શિસ્તના પ્રેરણાસ્ત્રોત: હર્ષ સંઘવી

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના તમામ યુવાનો વતી અક્ષય કુમારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "ફિલ્મોના શૂટિંગ સહિતના અત્યંત વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ છેલ્લા 7 થી 8 વર્ષથી એક પણ વર્ષનો વિરામ લીધા વિના અક્ષય કુમાર કુડો ટુર્નામેન્ટના આયોજન માટે સતત સમય અને સહયોગ આપી રહ્યા છે, જે રમત પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે."

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, એક સમયે નિયમિત કસરત અને દોડવા જતા યુવાનોની મજાક ઉડાવવામાં આવતી હતી, પરંતુ આજે અક્ષય કુમારની ફિટનેસ પ્રત્યેની નિષ્ઠા લાખો યુવાનોને પ્રેરણા આપી રહી છે. સુરતથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટને અમદાવાદમાં રાજ્યકક્ષાએથી રાષ્ટ્રીય સ્તરે વધુ વ્યાપક પ્લેટફોર્મ મળે તે માટે ગુજરાત સરકાર પણ જરૂરી તમામ સહયોગ પૂરો પાડશે.

અભ્યાસક્રમમાં માર્શલ આર્ટ્સ અનિવાર્ય બને તેવી અક્ષય કુમારની ઇચ્છા

અભિનેતા અક્ષય કુમારે ટુર્નામેન્ટના આયોજનમાં સહયોગ આપનાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોનો આભાર માન્યો હતો. છેલ્લા 18 વર્ષથી યોજાતી આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓના સ્વાસ્થ્યને સર્વોચ્ચ ગણાવતા તેમણે કહ્યું કે, "જીવનમાં સુખ, શાંતિ અને સેવાની સાથે સ્વાસ્થ્યને પણ પ્રથમ પ્રાથમિકતા આપવી જોઈએ. સ્વસ્થ શરીર હશે તો જ જીવનમાં સકારાત્મક કાર્યો થઈ શકશે."

તેમણે ટુર્નામેન્ટમાં સેવા આપતા 300થી વધુ રેફરી, શિક્ષકો અને ખેલાડીઓના યોગદાનને બિરદાવ્યું હતું. બાળકોને આત્મરક્ષણની રમત શીખવવા માટે વાલીઓનો આભાર માનતા અક્ષય કુમારે દરેક વિદ્યાર્થીના અભ્યાસક્રમમાં માર્શલ આર્ટ્સને અનિવાર્ય હિસ્સો બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને આ વિચાર દેશના વડાપ્રધાન સુધી પહોંચે તેવી આશા વ્યક્ત કરી હતી.

મહિલા સશક્તીકરણ માટે 15 વર્ષથી ચાલતા પ્રયાસો સરાહનીય: ડૉ. લક્ષ્યરાજસિંહ મેવાડ

ડૉ. લક્ષ્યરાજસિંહ મેવાડે ખેલાડીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, જીવનમાં પડકારો સામે ઝૂક્યા વિના હિંમત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ. તેમણે કુડોના ખેલાડીઓ દ્વારા સ્પર્ધા પહેલા એકબીજા પ્રત્યે દર્શાવવામાં આવતા સન્માન અને શિસ્તની ભાવનાને ભારતીય સંસ્કૃતિના સંસ્કારો સાથે સરખાવીને બિરદાવી હતી.

આ ઉપરાંત, તેમણે 'અક્ષય કુમાર ફાઉન્ડેશન' દ્વારા છેલ્લા 15 વર્ષથી મહિલાઓને કુડો અને આત્મરક્ષણની તાલીમ આપીને મહિલા સશક્તીકરણ માટે કરવામાં આવી રહેલા નિઃસ્વાર્થ પ્રયાસોની વિશેષ પ્રશંસા કરી હતી.