Bullet Train Project Update: કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે 7 સપ્ટેમ્બર, સોમવારે જણાવ્યું કે, ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે અને આગામી મહિનામાં આ પ્રોજેક્ટ અંતર્ગત કેટલાક મહત્વપૂર્ણ સીમાચિહ્નો પૂર્ણ થવાની આશા છે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (MAHSR) કોરિડોર હેઠળ સુરત અને બીલીમોરા વચ્ચે પ્રથમ સેક્શન આવતા વર્ષે 2027 માં શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
ડિસેમ્બર 2026 સુધીમાં સિવિલ કામ પૂર્ણ થશે
રેલ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રેન મેન્યુફેક્ચરિંગ બંને મોરચે અત્યંત ઝડપથી કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ વાપી-સુરત સેક્શનનું સિવિલ કન્સ્ટ્રક્શનનું કાર્ય ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. ટ્રેકના નિર્માણ, સ્ટેશનો અને અન્ય સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે ટ્રેન કોચના નિર્માણમાં થયેલી પ્રગતિ આ પ્રોજેક્ટને તેના નિર્ધારિત લક્ષ્યની વધુ નજીક લઈ જઈ રહી છે.
508 કિલોમીટર લાંબો કોરિડોર અને 12 સ્ટેશન
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરની કુલ લંબાઈ 508 કિલોમીટર છે. આ હાઈ-સ્પીડ રેલ કોરિડોર ભારતના બે મહત્વના રાજ્ય મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાંથી પસાર થશે. આ સમગ્ર કોરિડોર પર મુસાફરોની સુવિધા માટે કુલ 12 સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે.
- મુંબઈ (BKC)
- ઠાણે
- વિરાર
- બોઈસર
- વાપી
- બિલીમોરા
- સુરત
- ભરૂચ
- વડોદરા
- આણંદ
- અમદાવાદ
- સાબરમતી
આ પ્રોજેક્ટની એક ખાસ વિશેષતા એ છે કે દરેક સ્ટેશનની ડિઝાઈન જે-તે શહેરની આગવી સંસ્કૃતિ અને ઓળખને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહી છે. આ તમામ સ્ટેશનો પર મુસાફરો માટે આધુનિક સુવિધાઓ સાથે શ્રેષ્ઠ મલ્ટી મોડલ કનેક્ટિવિટી પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
2017માં આધારશીલા, 2027 માં નવો યુગ શરૂ
આ ઐતિહાસિક મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટની આધારશીલા સપ્ટેમ્બર 2017માં રાખવામાં આવી હતી. ભારત સરકારે આ પરિયોજના માત્ર મુસાફરીનો સમય ઘટાડવા માટે જ નહીં. પરંતુ મુસાફરોને વધુ આરામદાયક, સુરક્ષિત અને વિશ્વસનીય રેલ મુસાફરીનો આધુનિક અનુભવ આપવા માટે શરૂ કરી છે. આ હાઈ-સ્પીડ રેલ નેટવર્કથી ઝડપી કનેક્ટિવિટી વધશે અને સાથે જ દેશની આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે.
નિયત સમય મર્યાદા મુજબ જો આ ભગીરથ કાર્ય આગળ વધતું રહેશે, તો વર્ષ 2027 માં ભારત હાઈ-સ્પીડ રેલના એક તદ્દન નવા જ યુગમાં પ્રવેશ કરશે. આ કોરિડોર પર પ્રથમ હાઈ-સ્પીડ રેલ સેવા ઓગસ્ટ 2027 માં સત્તાવાર રીતે શરૂ થવાની અપેક્ષા છે, જેનાથી ભારતીય રેલવેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ જશે.
