Ahmedabad News: અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ દરબાર નગર, નવાપુરા પાસે ઝઘડાની અદાવત રાખીને એક પરિવારે બીજા પરિવારના મકાન અને વાહનોમાં આગ લગાવી દેતાં ભારે સનસનાટી મચી ગઈ છે. આ ઘટનામાં પિતા અને પુત્ર સહિત કુલ ચાર લોકો સામે વટવા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
આમીના મસ્જિદ પાસે દરબાર નગરમાં વહીદાબાનું શેખ તેમના પરિવાર સાથે રહે છે. તેમની બાજુમાં જ આમન ઉર્ફે રાજા અસલમખાન પઠાણ પણ રહે છે. છેલ્લા કેટલાક દિવસથી રાજા અને વહીદાબાનુંના પરિવાર વચ્ચે ઘરની આગળની ખુલ્લી જગ્યામાં સામાન રાખવા બાબતે બોલાચાલી અને ઝઘડા થતા હતા. ઝઘડાની શરૂઆત શનિવારે સવારે થઈ હતી, જ્યારે ઘર પાસે પડેલા લાકડા કોઈ વ્યક્તિ લઈ ગયું હતું. આ બાબતે રાજા અને તેના પિતા અસલમખાન પઠાણ સહિત અન્ય બે સભ્યોએ વહીદાબાનુંના પતિ અને પિયરપક્ષ સાથે બોલાચાલી કરી મારમારી કરી હતી, જેના કારણે બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં હતા ત્યારે મકાન સળગાવવાનો પ્રયાસ
જ્યારે વહીદાબાનુંના પતિ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, તે જ સાંજે ૭:૩૦ વાગ્યાની આસપાસ તેમને પરિચિતનો ફોન આવ્યો કે, રાજા અને તેના પિતા અસલમખાન પઠાણ, કુવા કાલુ અને હિના મળીને તેમનું ઘર સળગાવવા આવ્યા છે. રાજા અને અન્ય આરોપીઓએ પહેલા ઘરની બહાર પડેલી બાઇક સળગાવી દીધી અને પછી બાઇકનું સીટ કવર સળગાવીને બંધ મકાનની જાળીમાં ફેંકતા ઘરમાં પણ આગ લાગી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી, પરંતુ આગના કારણે ઘરમાં રહેલું ફર્નિચર અને બે બાઈક બળી ગયા હતા.
