Ahmedabad: ચાંદખેડામાં બે દીકરીઓ સાથે પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી, પોલીસે નોંધી ફરિયાદ

મહિલાએ આક્ષેપ કર્યો છે કે, લગ્નના થોડા સમય બાદ 'કરિયાવરમાં કંઈ ન લાવી' તેવું કહીને પતિ સહિતના સાસરિયાઓ તેને હેરાન કરતા હતા.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sun, 09 Nov 2025 04:46 PM (IST)Updated: Sun, 09 Nov 2025 04:46 PM (IST)
in-chandkheda-married-woman-with-two-daughters-tortured-and-expelled-over-dowry-police-file-complaint
HIGHLIGHTS
  • સાસરિયા પક્ષના લોકો લગ્નમાં કરિયાવર ન લાવવા બદલ સતત માનસિક ત્રાસ આપતા હતા.
  • સાસરિયાઓના ત્રાસથી કંટાળીને મહિલાએ પતિ સાથે અલગ રહેવાનું નક્કી કર્યું હતું.

Ahmedabad News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ તેના પતિ સહિત સાસરિયા પક્ષના પાંચ લોકો સામે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ગંભીર ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આક્ષેપ કર્યો છે કે, લગ્નના થોડા સમય બાદ 'કરિયાવરમાં કંઈ ન લાવી' તેવું કહીને પતિ સહિતના સાસરિયાઓ તેને હેરાન કરતા હતા. મહિલાએ પોતાના પિયર પાસેથી પૈસા લઈને અને લોન કરાવીને ખરીદેલા મકાન પર પણ પતિએ કબજો જમાવીને તેને બે દીકરીઓ સાથે ઘરની બહાર કાઢી મૂકી છે.

ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મહિલાના લગ્ન મનીષ (નામ બદલાવ્યું છે) સાથે થયા હતા. બે દીકરીઓના જન્મ બાદ ઘરમાં વાતાવરણ બદલાઈ ગયું. સાસુએ પતિને ઉશ્કેરતા પતિએ મહિલા સાથે મારામારી શરૂ કરી હોવાનો આક્ષેપ છે. સાસરિયા પક્ષના લોકો લગ્નમાં કરિયાવર ન લાવવા બદલ સતત માનસિક ત્રાસ આપતા હતા.

લોનથી ખરીદેલું મકાન પણ છીનવ્યું

સાસરિયાઓના ત્રાસથી કંટાળીને મહિલાએ પતિ સાથે અલગ રહેવાનું નક્કી કર્યું હતું. આ માટે તેણે પોતાના દાદી અને પિતા પાસેથી પૈસા લઈને અને બાકીની રકમની લોન કરાવીને એક મકાન ખરીદ્યું હતું, જેના હપ્તા પણ મહિલા પોતે ભરતી હતી. નવા મકાનમાં ગયા પછી પણ સાસરિયાઓની અવરજવર શરૂ થઈ જતાં ફરી બોલાચાલીઓ શરૂ થઈ ગઈ. મહિલાએ આક્ષેપ કર્યો છે કે, સાસુના કહેવાથી પતિએ મકાન સાસુના નામે કરી દેવા માટે દબાણ શરૂ કર્યું અને માર મારતો હતો.

ઘર તૂટવાના ડરથી સહન કરતી રહી

મહિલાએ ઘર તૂટી ન જાય તે ડરથી આટલા લાંબા સમય સુધી માનસિક અને શારીરિક ત્રાસ સહન કર્યો હતો. જોકે, આખરે ૨૦ ઓક્ટોબરના રોજ તેના પતિએ તેને માર મારીને બે દીકરીઓ સાથે ઘરની બહાર કાઢી મૂકી હતી. હવે મજબૂર બનીને મહિલા પોતાના માતા-પિતા સાથે રહેવા મજબૂર થઈ છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે પતિ સહિત પાંચ સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.