Ahmedabad: ગોતામાં 112 જન રક્ષક વાને પાર્ક કરેલી કારને ટક્કર મારી, પોલીસની ગાડીમાંથી 'સીરપની બોટલ' મળી, ડ્રાઇવર નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

આ અકસ્માત બાદ સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી કે સ્થાનિકોએ પોલીસની 112 જન રક્ષક ગાડીમાંથી કફ સિરપની બોટલો તૂટેલી હાલતમાં શોધી કાઢી હતી.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sun, 16 Nov 2025 10:46 AM (IST)Updated: Sun, 16 Nov 2025 10:46 AM (IST)
in-ahmedabad-gota-112-jan-rakshak-van-hits-parked-car-locals-allege-driver-was-drunk-after-syrup-bottle-found
HIGHLIGHTS
  • આ ઘટના ગોતાના વંદે માતરમ રોડ પર સાયોના તિલક નજીક બની હતી.
  • ટક્કર એટલી પ્રચંડ હતી કે પાર્ક કરેલી કાર પણ લગભગ 10 ફૂટ સુધી દૂર ધકેલાઈ ગઈ હતી.

Ahmedabad News: અમદાવાદમાં કાયદાના રક્ષકો જ કાયદાનું ઉલ્લંઘન કરતા હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ગોતા વિસ્તારના વંદે માતરમ રોડ પર ગઈકાલે મોડી રાત્રે એક પોલીસ વાન દ્વારા પૂરઝડપે પાર્ક કરેલી કારને જોરદાર ટક્કર મારવામાં આવી હતી. આ અકસ્માત બાદ સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી કે સ્થાનિકોએ પોલીસની 112 જન રક્ષક ગાડીમાંથી કફ સિરપની બોટલો તૂટેલી હાલતમાં શોધી કાઢી હતી, જેના પગલે પોલીસ ડ્રાઇવરે નશાની હાલતમાં વાહન ચલાવ્યું હોવાના આક્ષેપો થયા છે.

પાર્ક કરેલી કાર 10 ફૂટ દૂર ધકેલાઈ

આ ઘટના ગોતાના વંદે માતરમ રોડ પર સાયોના તિલક નજીક બની હતી. મોડી રાત્રે એક કારચાલક પોતાની ગાડી રસ્તાની બાજુમાં પાર્ક કરીને અંદર બેઠા હતા. માત્ર એકાદ મિનિટના સમયગાળામાં જ, પાછળથી પૂરઝડપે આવી રહેલી પોલીસની 112 જન રક્ષક વાને (PCR વાન) પાર્ક કરેલી કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે પાર્ક કરેલી કાર પણ લગભગ 10 ફૂટ સુધી દૂર ધકેલાઈ ગઈ હતી. અકસ્માતના આ સમગ્ર દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.

ડ્રાઇવર નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

આ બનાવ બનતાની સાથે જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ જ્યારે 112 જન રક્ષક ગાડીમાં તપાસ કરી, ત્યારે અંદરથી તૂટેલી હાલતમાં કફ સિરપની બોટલો મળી આવી હતી. સ્થાનિકોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે પોલીસ વાનનો ડ્રાઇવર નશાની હાલતમાં હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. એક તરફ શુક્રવારે રાત્રે જ અમદાવાદમાં એક નબીરાએ બે હોમગાર્ડ જવાનને અડફેટે લીધાની ઘટના તાજી છે, ત્યાં બીજા જ દિવસે પોલીસની ગાડી દ્વારા જ બેદરકારીભર્યો અકસ્સમાત થતાં લોકોમાં રોષ ફેલાયો હતો.

ડ્રાઇવરનો મેડિકલ ટેસ્ટ અને તપાસ

આ બનાવની જાણ થતાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ એન. એ. દેસાઈએ જણાવ્યું હતું કે, અકસ્માત કરનાર પોલીસના ડ્રાઇવરને તાત્કાલિક મેડિકલ તપાસ માટે મોકલી દેવામાં આવ્યો છે, જેથી તે નશાની હાલતમાં હતો કે નહીં તેની પુષ્ટિ થઈ શકે. વધુમાં, ગાડીમાંથી મળી આવેલી શંકાસ્પદ સીરપની બોટલોના મામલે સોલા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે. સોલા પોલીસ આ સીરપની બોટલ કફ સિરપ છે કે તેમાં કોઈ નશીલો પદાર્થ છે, તે અંગેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરશે. હાલમાં પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ફરી એકવાર પોલીસ કર્મચારીઓના વર્તન અને વાહન ચલાવવામાં થતી બેદરકારી અંગે સવાલો ઊભા કર્યા છે.