એનાલોગ પનીર બાદ આઈસ્ક્રીમના નામે વેચાતી ફ્રોઝન ડેઝર્ટ પર સકંજો કસવા તૈયારી: હવેથી 'દૂધનો આઈસ્ક્રીમ' કે વનસ્પતિ તેલનું 'ફ્રોઝન ડેઝર્ટ' એવું દુકાનમાં સ્પષ્ટ લખવું પડશે

બજારમાં હાલ 'આઈસ્ક્રીમ'ના નામે મોટી માત્રામાં 'ફ્રોઝન ડેઝર્ટ'નું વેચાણ થઈ રહ્યું છે. સામાન્ય ગ્રાહક આ બંને વચ્ચેનો તફાવત સમજી શકતો નથી અને આઈસ્ક્રીમના નામે વનસ્પતિ તેલ/ફેટમાંથી બનેલું ડેઝર્ટ ખરીદીને છેતરાય છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 09 Nov 2026 08:35 AM (IST)Updated: Mon, 09 Nov 2026 08:35 AM (IST)
ice-cream-vs-frozen-dessert-new-display-rules-gujarat-food-safety
આઈસ્ક્રીમ વિરુદ્ધ ફ્રોઝન ડેઝર્ટ નિયમો

Ice Cream Vs Frozen Dessert Rules: ગુજરાત સરકારના આરોગ્ય અને ખોરાક-ઔષધ નિયમન તંત્ર દ્વારા ગ્રાહકોના હિતમાં અને તેમને ગુણવત્તાસભર ખાદ્યપદાર્થો મળી રહે તે માટે વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ અસલી પનીર અને વનસ્પતિ ફેટમાંથી બનતા 'એનાલોગ પનીર' વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવા માટે ઉત્પાદકો અને દુકાનદારોને તાકીદ કર્યા બાદ હવે આ જ તર્જ પર 'આઈસ્ક્રીમ' અને 'ફ્રોઝન ડેઝર્ટ' વચ્ચેનો તફાવત ગ્રાહકો સમક્ષ જાહેર કરવા કડક આદેશ અપાશે. દિવાળી પછી આરોગ્ય વિભાગ આ અંગે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરશે.

ગ્રાહકોની છેતરપિંડી અટકાવવા કડક નિયમો

બજારમાં હાલ 'આઈસ્ક્રીમ'ના નામે મોટી માત્રામાં 'ફ્રોઝન ડેઝર્ટ'નું વેચાણ થઈ રહ્યું છે. સામાન્ય ગ્રાહક આ બંને વચ્ચેનો તફાવત સમજી શકતો નથી અને આઈસ્ક્રીમના નામે વનસ્પતિ તેલ/ફેટમાંથી બનેલું ડેઝર્ટ ખરીદીને છેતરાય છે. ગ્રાહકોને પોતાના નાણાંનું સાચું વળતર મળે અને તેઓ શુદ્ધ પ્રોડક્ટ પસંદ કરી શકે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ઉત્પાદકો અને વેપારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવશે કે તેઓ ગ્રાહક જોઈ શકે તે રીતે બોર્ડ કે ડિસ્પ્લે પર પ્રોડક્ટ 'શુદ્ધ દૂધનો આઈસ્ક્રીમ' છે કે 'ફ્રોઝન ડેઝર્ટ' તેની સ્પષ્ટતા કરે.

આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત

આઈસ્ક્રીમ:

આઈસ્ક્રીમ માત્ર અને માત્ર શુદ્ધ દૂધ, દૂધના ક્રીમ અને ડેરી પ્રોડક્ટ્સમાંથી બનાવવામાં આવે છે. તેમાં કોઈપણ પ્રકારનું વનસ્પતિ તેલ કે પામ ઓઈલ વાપરવાની મનાઈ હોય છે.

ફ્રોઝન ડેઝર્ટ:

ફ્રોઝન ડેઝર્ટ જોવામાં અને સ્વાદમાં આઈસ્ક્રીમ જેવું જ લાગે છે, પરંતુ તે વનસ્પતિ તેલ, પામ ઓઈલ કે હાઈડ્રોજનેટેડ ફેટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તે કિંમતમાં આઈસ્ક્રીમ કરતાં સસ્તું પડે છે.

'આ આઈસ્ક્રીમ નથી ફ્રોઝન ડેઝર્ટ છે' એવું લખવું પડશે

બોર્ડ અને પેકિંગ પર સ્પષ્ટતા:

દરેક પાર્લર, સુપરમાર્કેટ અને નાના વેપારીઓએ દુકાને વેચાતી ફ્રોઝન ડેઝર્ટની પ્રોડક્ટ્સ પર અથવા કાઉન્ટર પર 'આ ફ્રોઝન ડેઝર્ટ છે, આઈસ્ક્રીમ નથી' તેવું સ્પષ્ટ લખવું પડશે.

દંડ અને કાર્યવાહી:

જો દિવાળી પછીના સઘન ચેકિંગમાં કોઈ વેપારી કે ઉત્પાદક ફ્રોઝન ડેઝર્ટને 'આઈસ્ક્રીમ' તરીકે વેચતો ઝડપાશે, તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ એક્ટ હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી અને દંડ કરાશે.

ગ્રાહક જાગૃતિ:

એનાલોગ પનીરના કિસ્સામાં જે રીતે ગ્રાહકોમાં જાગૃતિ આવી હતી, તેવી જ રીતે હવે આઈસ્ક્રીમ ખરીદતી વખતે પણ ગ્રાહકો પેકેટ પર લખેલા લેબલ વાંચીને યોગ્ય નિર્ણય લઈ શકશે.