Ganeshotsav In Ahmedabad:રાજ્યમાં અનેરા ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ગણેશ ઉત્સવ પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આયોજિત ગણેશ પંડાલની મુલાકાત લઈ, નાગરિકોનાં સુખ-સમૃદ્ધિ માટે ગણેશજી પાસે પ્રાર્થના કરી હતી.આ પ્રસંગે બંને મહાનુભાવોએ ભગવાન ગણેશજીની મહાઆરતી કરી, ધન્યતાનો અનુભવ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 'વસ્ત્રાપુરના મહાગણપતિ' નામે છેલ્લાં 41 વર્ષથી વર્ષોથી વસ્ત્રાપુર તળાવ પાસે યોજાતો ગણેશ ઉત્સવ દર વર્ષે તેની આગવી થીમ અને સજાવટ તથા શ્રીજીનાં આકર્ષક વાઘા અને સ્થાપનના લીધે શહેરીજનોને બાપ્પાનાં દર્શન માટે આકર્ષે છે.આ વર્ષે ગણેશ પંડાલને કાશી ઘાટની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ગણેશજીની 8 ફૂટની માટીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
આ અંગે આયોજકોના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઉત્સવમાંથી જે રકમ બચે છે, તેનો ઉપયોગ ‘રિદ્ધિ-સિદ્ધિ સગર્ભા યોજના'માં કરવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં15 હજારથી વધુ પૌષ્ટિક કિટ સગર્ભા બહેનો સુધી પહોંચાડવામાં આવી છે અને આ સેવા પાછળ આશરે ₹1 કરોડથી વધુ રકમ વપરાઈ છે.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સરદાર પટેલ સેવાદળ દ્વારા આયોજિત 'વસ્ત્રાપુરના મહાગણપતિ'ની મુલાકાત લઈને ગણેશનાં દર્શન કર્યાં હતાં તથા ગણેશપંડાલની થીમને બિરદાવી હતી.
આ પ્રસંગે અમદાવાદના મેયર હિતેશ બારોટ, શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરક શાહ, કોર્પોરેશન વોટર કમિટીના ચેરમેન ધરમશી દેસાઈ તેમજ અન્ય મહાનુભાવો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
