સવા લાખ દીવાઓથી ઝળહળી ઉઠ્યું કાંકરિયા! પીએમ મોદીના 25 વર્ષની ઉજવણીમાં અમિત શાહ અને મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસેવાનાં 25 વર્ષ નિમિત્તે અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સવા લાખ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 17 Sep 2026 10:38 PM (IST)Updated: Thu, 17 Sep 2026 10:38 PM (IST)
kankaria-illuminated-by-125-lakh-lamps-amit-shah-and-the-chief-minister-attended-the-celebration-marking-pm-modis-25-years

PM Modi 25 Years of Service: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન અને તેમના જાહેર જીવનના 25 ગૌરવવંતા વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે ગુજરાતભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જ શ્રેણીમાં અમદાવાદના પ્રખ્યાત કાંકરિયા લેકફ્રન્ટ ખાતે એક ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘એક દીવો આશીર્વાદનો’ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

માં ભારતીની આરતી સાથે ‘સેવા સંકલ્પ અભિયાન’ની ઉજવણી

કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજ મહાનુભાવોએ વિધિવત રીતે માં ભારતીની આરતી ઉતારી હતી. આ સાથે જ રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ની ઉજવણીમાં તેઓ સહભાગી થયા હતા. વડાપ્રધાન દ્વારા દેશના વિકાસ અને જનકલ્યાણ માટે સમર્પિત કરાયેલા 25 વર્ષોની આ સફરને નાગરિકોએ ખૂબ જ ઉત્સાહભેર વધાવી હતી.

સવા લાખ દીવાઓથી દીપી ઉઠ્યું કાંકરિયા લેકફ્રન્ટ

આ વિશેષ અવસરે સમગ્ર કાંકરિયા લેકફ્રન્ટ પરિસર અંદાજિત સવા લાખ જેટલા દિવડાઓની રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. લેકફ્રન્ટ પર સર્જાયેલો આ નજારો બેહદ આકર્ષક અને દિવ્ય લાગતો હતો. માત્ર નેતાઓ જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં ઉપસ્થિત સામાન્ય નાગરિકો અને યુવાનોએ પણ પોતાના હાથમાં દીવો લઈ માં ભારતીની આરતી ઉતારી હતી અને પીએમ મોદીના દીર્ઘાયુ તથા ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. વડાપ્રધાનશ્રીની જનસેવાના 25 વર્ષની આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દિગ્ગજ મહાનુભાવોની ઉપસ્થિતિ

આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબહેન વાઘેલા, અમદાવાદના મેયર હિતેશ બારોટ, સ્થાનિક ધારાસભ્યો, શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરક શાહ, પૂર્વ સાંસદ હરિન પાઠક અને ડૉ. કિરીટ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ડેપ્યૂટી મેયર અંજુબહેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, અમદાવાદ કલેક્ટર ભવ્ય વર્મા તેમજ કોર્પોરેટરો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહી આ ઉત્સવને સફળ બનાવ્યો હતો.