Gujarat Nuclear Power Project: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં ઊર્જા ક્ષેત્રે નવીનતમ પહેલ હાથ ધરવામાં આવી છે. આ જ ક્રમમાં ગુજરાત સરકાર પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સતત નવા સીમાચિહ્નો સર કરી રહી છે.
ગુજરાતની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની તથા સ્વચ્છ અને વિશ્વસનીય ઊર્જાના વિકાસને વેગ આપવાની દિશામાં રાજ્ય સરકારે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. છ દાયકાથી વધુ સમય બાદ હવે ગુજરાતની ધરતી પર નવા ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટનાં મંડાણ થવા જઈ રહ્યાં છે.
GSECL અને NPCIL વચ્ચે ઐતિહાસિક સમજૂતી કરાર
આ દિશામાં, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (NPCIL) વચ્ચે ગુજરાતમાં નવા ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટના વિકાસ માટે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે.
ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્રસચિવ અને GSECLના ચેરમેન અશ્વિની કુમાર (IAS) તથા NPCILના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વી. રાજેશની વિશેષ ઉપસ્થિતિમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
'શાંતિ એક્ટ, 2025' અંતર્ગત સુરક્ષા અને નિયમો
આ તમામ પરમાણુ પ્રોજેક્ટ્સ 'શાંતિ એક્ટ, 2025' અંતર્ગત સંચાલિત કરવામાં આવશે, જેના નિયમો તાજેતરમાં 14 ઑગસ્ટ 2026ના રોજ પ્રકાશિત કરાયા છે. આ સુરક્ષા કાયદા અન્વયે પરમાણુ પાવર પ્લાન્ટનું નિર્માણ, ઇંધણ ઉત્પાદન અને પરમાણુ સામગ્રીના સંચાલન માટે માત્ર કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલા સરકારી વિભાગો, કંપનીઓ અથવા સંયુક્ત સાહસો માટે જ લાઇસન્સ મેળવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
ન્યુક્લિયર ક્ષેત્રે GSECLનો પ્રથમ પ્રવેશ
આ MoUની સૌથી મોટી અને મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે ગુજરાત સરકારની વીજ ઉત્પાદન કંપની GSECL પ્રથમવાર ન્યુક્લિયર પાવર ક્ષેત્રમાં પ્રવેશ કરી રહી છે. ગુજરાતે અગાઉ સૌર, પવન અને અન્ય નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે, અને હવે ન્યુક્લિયર ઊર્જા ક્ષેત્રે પણ અગ્રેસર બનવા જઈ રહ્યું છે. આ કરાર રાજ્યને સ્વચ્છ તથા સ્થિર બેઝલોડ વીજળી પૂરી પાડવામાં સીમાચિહ્ન રૂપ સાબિત થશે.
ધુવારણ ખાતે આશરે 4000 મેગાવોટ ક્ષમતાનો મેગા પ્રોજેક્ટ
આ પ્રોજેક્ટ થકી ગુજરાતની વીજ ઉત્પાદન ક્ષમતામાં આશરે 4000 મેગાવોટનો મોટો વધારો થશે, જેમાં અંદાજે રૂ. 1 લાખ કરોડનું વિશાળ રોકાણ થવાની સંભાવના છે. આ પ્રોજેક્ટના કારણે-
- રોજગારીની નવી તકોનું સર્જન થશે.
- ઔદ્યોગિક વિકાસ અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે.
- કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે, જે ભારતના 'નેટ ઝીરો' લક્ષ્યને મજબૂત બનાવશે.
- ગુજરાતની ઊર્જા સુરક્ષા અને આત્મનિર્ભરતા વધુ સુદ્રઢ બનશે.
નવીનીકરણીય ઊર્જાને મળશે મજબૂત પૂરક આધાર
ગુજરાતે વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટથી વધુ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા સ્થાપવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સૌર અને પવન ઊર્જા કુદરતી પરિબળો પર આધારિત હોવાથી, ગ્રીડની સ્થિરતા માટે સતત ઉપલબ્ધ વીજ સ્રોતોની જરૂર પડે છે. ન્યુક્લિયર ઊર્જા સતત અને વિશ્વસનીય વીજળી પૂરી પાડતી હોવાથી તે ગ્રીડ માટે ઉત્તમ પૂરક સાબિત થશે.
આ આગામી તબક્કામાં GSECL દ્વારા જમીન તથા સહાયક માળખાકીય સુવિધાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે, જ્યારે NPCIL દ્વારા સ્થળ સર્વેક્ષણ, તકનીકી અભ્યાસ અને નિષ્ણાત માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ ઐતિહાસિક જોડાણ “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક નવું માઈલસ્ટોન સાબિત થશે.
